Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,909 નવા કેસ, એકલા કેરળમાં 28836 નવા દર્દી

સતત 5 દિવસથી કોરોનાના આંકડા 40 હજારને પાર રહ્યા છે. : ભારતમાં ગત કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં તેજી આવી છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં કોરોનાના મામલામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો ત્રીજી લહેરના સંકેત આપી રહ્યો છે. સોમવારના આંકડાની વાત કરીએ તો ગત 24 કલાકમાં 42, 909 નવા મામલા સામે આવ્યા છે. જો કે આ આંકડા રવિવારની સરખામણીએ ઘટ્યા છે. સતત 5 દિવસથી કોરોનાના આંકડા 40 હજારથી વધારે રહ્યા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 3,76,324 થયો

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાનુ જોખમ હજુ પણ યથાવત છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 42,909 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 34763 લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 380 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. ત્યારબાદ દેશમાં કોરોનાથી મરનારની સંખ્યા 438210 સુધી પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 376324 થઈ ચૂકી છે અને અત્યાર સુધી કુલ 31923405 લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

હાલમાં ભારતનો કોરોના રિકવરી રેટ 97.51 ટકા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યા 7766 દર્દીઓમાં વધારો થયો છે. કોરોનાનુ સૌથી વધુ જોખમ કેરળમાં છે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29836 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 75 લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે. કોરોનાથી દેશમાં છેલ્લા 24 કલાકમાં 380 લોકોના મોત થયા છે તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 131 દર્દી અને કેરળમાં 75 દર્દીઓના મોત થયા છે.

વળી, દેશમાં કોરોના રસીકરણનુ અભિયાન ઘણુ તેજીથી ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં 63.43 કરોડ કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 31,14,696 લોકોનુ રસીકરણ થયુ છે જેનાથી કુલ રસીકરણની સંખ્યા વધીને 63,43,81,358 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 14,19,990 લોકોનો કોરોના ટેસ્ટ થયો છે.

(11:56 am IST)