Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

યુપીમાં રહસ્યમય તાવથી હાંહાકાર: એક સપ્તાહમાં 26 બાળકો સહિત 50 લોકોના મોત : ડરનો માહોલ

સરકારી હોસ્પિટલમાં બેડની અછત વર્તાઇ: ગોંડા, બસ્તી, દેવરિયા, બલિયા, આઝમગઢ, સુલ્તાનપુર,. જૌનપુર અને ગાઝીપુરમાં લોકો વાયરલની ચપેટમાં

પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં એક રહસ્યમય વાયરલ બિમારીથી લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો છે.  તાવને કારણે લોકોનાં મોત થઇ રહ્યાં છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડાઓ અનુસાર છેલ્લા એક સપ્તાહમાં આગ્રા, ફિરોઝાબાદ,. મથુરા, મૈનપુરી, એટા અને કાસગંજ જિલ્લાઓમાં 50થી વધુ લોકોનાં મોત તાવ, ડીહાઇડ્રેશન, પ્લેટલેટ કાઉન્ટમાં અચાનક ઘટાડાને કારણે થયા છે.

ચોંકાવનારી વાત એ છે કે મૃતકોમાં 26 બાળકો છે. લોકોને આ બીમારીમાંથી રિક્વર થવામાં 12 દિવસથી વધુ સમય લાગી રહ્યો છે. આ જ કારણ છે કે સરકારી હોસ્પિટલમાં બેડની અછત વર્તાઇ રહી છે.

આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી પણ વાયરલ તાવના કેસો સામે આવ્યા છે. ગોંડા, બસ્તી, દેવરિયા, બલિયા, આઝમગઢ, સુલ્તાનપુર,. જૌનપુર અને ગાઝીપુરમાં લોકો વાયરલની ચપેટમાં આવી રહ્યાં છે.

જો કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં આ બીમારીના સૌથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ આ બીમારીના દર્દીઓ સામે આવી રહ્યાં છે.

આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર એ કે સિંહના જણાવ્યા અનુસાર ગયા વર્ષે વાયરલ તાવના કેસો ખૂબ જ ઓછા આવ્યા હતા કારણકે લોકો ઘરે રહી રહ્યાં હતાં અને સ્વચ્છતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં હતાં.

ફિરોઝાબાદમાં અત્યાર સુધી સૌથી વધુ 25 લોકોનાં મોત થયા છે. ફિરોઝાબાદના સીએમઓ ડો. નીતા કુલશ્રેષ્ઠના જણાવ્યા અનુસાર જે લોકોના વાયરલ તાવને કારણે મોત થયા છે તે પૈકી કોઇ પણ કોરોના પોઝિટિવ ન હતો.

મોતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓની 12 ટીમો, તમામ સહાયક નર્સો અને આશા કાર્યકરોને આ કામમાં સામેલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે આ ચિંતાનો વિષય છે. વાયરલ તાવમાંથી રિકવરીનો સમય ચારથી પાંચ દિવસથી વધીને 10થી 12 દિવસ થઇ ગયો છે.

(11:20 am IST)