Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

મુંબઈના પૂર્વ પરા વિસ્તાર માનખુર્દમાં એક બાળગૃહના કુલ 18 બાળકો ત્રણ દિવસમાં કોરોના સંક્રમિત મળી આવ્યા

બુધવારે મળ્યો હતો પહેલો કેસઃ એક બાળકને કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયો

મુંબઈ: મુંબઈના પૂર્વ પરા વિસ્તાર માનખુર્દમાં એક બાળગૃહના કુલ 18 બાળકો ત્રણ દિવસમાં કોરોના સંક્રમિત મળી આવ્યા. નગર નિગમના એક અધિકારીએ જણાવ્યું કે તેમાંથી 15 બાળકો શુક્રવારે કોરોના સંક્રમિત મળ્યા હતા જેમને ચેમ્બુરના એક આઈસોલેશન વોર્ડમાં મોકલવામાં આવ્યા હતા. 

બુધવારે મળ્યો હતો પહેલો કેસ
નગર નિગમના અધિકારીના જણાવ્યાં મુજબ બુધવારે એક બાળક કોરોના સંક્રમિત થયો હોવાની માહિતી મળી હતી અને ત્યારબાદ તેને શતાબ્દી હોસ્પિટલ લઈ જવાયો હતો. બીજા દિવસે બીજા બે બાળકો કોરોના સંક્રમિત થયા જ્યારે શુક્રવારે કરાયેલા એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટમાં 15 બાળકો સંક્રમિત મળી આવ્યા. હવે સંક્રમિત બાળકોની સંખ્યા કુલ મળીને 18 પર પહોંચી છે. જેમાંથી એક બાળકને કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયો છે. 

દર મહિને થઈ રહી છે તપાસ
અધિકારીએ જણાવ્યું કે દર મહિને આ પ્રકારે તપાસ થઈ રહી છે. ગુરુવારે મુંબઈ નગર નિગમે કહ્યું હતું કે એક પ્રાઈવેટ અનાથાલય અને બોર્ડિંગ સ્કૂલના 26 બાળકો સંક્રમિત મળી આવ્યા હતા જેમાંથી કેટલાક તો 12 વર્ષથી પણ ઓછી વયના છે. એક અધિકારીએ શનિવારે કહ્યું કે આ ઉપરાંત થાણે જિલ્લાના ઉલ્લાસનગરમાં સામાન્ય રીતે રિમાન્ડ હોમ કહેવાતા સરકાર દ્વારા સંચાલિત કિશોર સુધાર ગૃહમાં 14 બાળકો કોરોના સંક્રમિત મળ્યા. 

(11:10 am IST)