Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

પીએમ સમક્ષ પેન્શન ટેક્સ ફ્રી કરવા માટેની માગ ઉઠી

સાંસદ કે ધારાસભ્યને મળતાં પેન્શન પર ટેક્સ નથી : પેન્શનર્સની સંસ્થા ઇન્ડિયન પેન્શનર્સએ આ વિશે ૨૫ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે

નવી દિલ્હી, તા.૨૯ : દેશમાં પેન્શનરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા માટે પેન્શનને ટેક્સ ફ્રી કરવાની માંગ ઉઠાવી છે.

 પેન્શનર્સની સંસ્થા ઇન્ડિયન પેન્શનર્સએ આ વિશે ૨૫ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે દલીલ કરી છે કે, જ્યાં સાંસદો અને ધારાસભ્યોના પેન્શન પર કોઇ ટેક્સ નથી લાગતો તો સરકાર સેવા નિવૃત્ત કર્મચારીઓને મળતી પેન્શન પર ઇક્નમ ટેક્ષ કેમ વસૂલી રહી છે.

પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે દરેક નિવૃત વ્યક્તિને પેન્શન વર્ષો સુધી દેશની કરેલી સેવા માટે આપવામા આવે છે. ભારતીય પેન્શનરોના મંચનું કહેવુ છે કે, હવે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે સેવા નિવૃત્ત કર્મચારીઓ પર ઇક્નમ ટેક્ષ કેમ લાગે છે. આ કોઇ સેવા કે કાર્ય કરવાથી મળતી આવક નથી. જો સાંસદ અને ધારાસભ્યોને પેન્શનમાંથી કરમૂક્ત કરવામાં આવ્યા છે તો સામાન્ય પેન્શનરોએ પેન્શન પર ટેક્સ કેમ ચકવવો પડે છે.

સંસ્થાએ ૨૩ જુલાઇ ૨૦૧૮માં મહારાષ્ટ્રના શિરડી ખાતે પોતાના પહેલા અખિલ ભારતીય સંમેલનમાં આ રજૂઆત કરી હતી કે પેન્શનર્ને ટેક્સમાંથી છૂટકારો મળવો જોઇએ. એ પછી સંગઠન દ્વારા સતત આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દો ધ્યાનમાં લેવાની અપીલ કરવામાં આવી છે. સંગઠનનું કહેવુ છે કે ૨૦૧૮થી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે, પરંતુ સરકાર દ્વારા કોઇ પ્રતિક્રિયા મળી નથી.

(12:00 am IST)