Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબને 100 કરોડની વસુલાત મામલે ઇડીની નોટીસ : મંગળવારે હાજર થવા કહેણ

અનિલ પરબે કહ્યું -સાંજે મને ED ની નોટિસ મળી : આમાં કોઈ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી

મુંબઈ : મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને રત્નાગીરીના સંરક્ષક મંત્રી અનિલ પરબને 100 કરોડની વસૂલાત મામલે નોટિસ મોકલવામાં આવી છે. અનિલ પરબને 31 ઓગસ્ટ સવારે 11 વાગ્યે મુંબઈમાં બલાર્ડ સ્ટેટ સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ  ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અનિલ પરબે આ કેસમાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આજે સાંજે મને ED ની નોટિસ મળી છે.આમાં કોઈ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મને કયા સંદર્ભમાં નોટિસ મોકલવામાં આવી છે તેની મને જાણ નથી. મને માત્ર મંગળવારે સવારે 11 વાગ્યે ED ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મારે કારણ ખબર હોવી જોઈએ. જ્યારે કારણ ખબર પડશે ત્યારે જ હું કંઈક કહી શકીશ. હું કાનૂની સલાહ લીધા પછી આનો જવાબ આપીશ. ”

 

શિવસેના સાંસદ સંજય રાઉતે  ટ્વીટ કરીને આ માહિતી આપી છે. રત્નાગિરીમાં જન આશિર્વાદ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેપર તેમના નિવેદન બાદ આ ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ માટે રત્નાગીરીના સંરક્ષક મંત્રી અનિલ પરબ રત્નાગીરી પોલીસને સૂચના આપી રહ્યા હતા.

 સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે અનિલ પરબ પર ED ની આ કાર્યવાહી નારાયણ રાણેની ધરપકડ બાદ કેન્દ્ર સરકાર દ્વારા બદલો લેવા માટે કરવામાં આવી રહી છે. પણ કોઈ વાંધો નહીં, કાયદાની આ લડાઈ અમે કાયદાકીય રીતે લડીશું.

આના જવાબમાં વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દારેકરે કહ્યું કે ઇડી પુરાવા વગર કોઇ કાર્યવાહી કરતું નથી. તેની પાસે અનિલ પરબ સામે ચોક્કસ પુરાવા છે, ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવી છે. આ સંદર્ભે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પ્રતિક્રિયા આપી છે કે ‘કર નાહીં તર ડર કશાલા’ એટલે કે જો તમે કંઈ કર્યું નથી, તો પછી તમે કેમ ડરી રહ્યા છો? નારાયણ રાણેના પુત્ર અને ભાજપના નેતા નિતેશ રાણેએ આ મામલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે, અનિલ પરબના પાપનો ઘડો ભરાઈ ગયો છે.

 

આ સમગ્ર મામલે ભાજપના નેતા કિરીટ સોમૈયાની પ્રતિક્રિયા આવી છે. કિરીટ સોમૈયા એ જ નેતા છે જેમણે પહેલા જ દાવો કર્યો હતો કે 100 કરોડની વસૂલાતના કેસમાં અનિલ દેશમુખ પછી અનિલ પરબનો નંબર આવવાનો છે. કિરીટ સોમૈયાએ કહ્યું કે, "ઠાકરે સરકારના વધુ એક વસુલી કરવા વાળા મંત્રી અનિલ પરબને હવે ઇડી પાસે જવું પડશે અને હિસાબ આપવો પડશે. સચિન વાજે દર મહિને 100 કરોડ રૂપિયા આપતા હતા, તેનો કેટલો હીસ્સો ક્યાં ક્યાં જતો હતો, તેનો હિસાબ અનિલ પરબ પાસેથી લેવામાં આવશે. ”

(11:37 pm IST)