Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

100 કરોડની વસૂલી મામલે અનિલ દેશમુખને ક્લીન ચિટ નહીં: સીબીઆઈએ કરી સ્પષ્ટતા

અનિલ દેશમુખ સામેના રિકવરી કેસમાં તપાસ હજુ ચાલુ છે. તેમને કોઈ ક્લીનચિટ આપવામાં આવી નથી.

મુંબઈ :  મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 100 કરોડ રૂપિયાની વસૂલાત કેસમાં સીબીઆઈ (CBI) એ ક્લીનચીટ આપી દીધી છે. રવિવાર સવારથી આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. આ દાવાની પુષ્ટિ કરવા માટે પીડીએફ ફાઇલ પણ સામે આવી છે. આ દાવાના આધારે એનસીપી અને કોંગ્રેસના નેતાઓએ પણ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

પરંતુ હવે આ મામલે એક નવો ખુલાસો થયો છે. CBI એ અનિલ દેશમુખને ક્લીન ચિટ આપી નથી. તો સવાલ એ છે કે, એ પીડીએફ ફાઈલ કઈ છે જે સીબીઆઈના ગોપનીય રિપોર્ટના નામથી વાયરલ થઈ રહી છે, જેમાં એવી ભલામણ કરવામાં આવી છે કે અનિલ દેશમુખ સામે રિકવરી કેસ સંબંધિત તપાસ પુરાવાના અભાવે બંધ કરી દેવી જોઈએ. જો તે ફાઈલ CBI દ્વારા જાહેર કરવામાં આવી નથી, તો પછી કોણે આ ખોટું કામ કર્યું છે?

સીબીઆઈ તરફથી જાણવા મળ્યું છે કે અનિલ દેશમુખ સામેના રિકવરી કેસમાં તપાસ હજુ ચાલુ છે. તેમને કોઈ ક્લીનચિટ આપવામાં આવી નથી. એટલે કે, સીબીઆઈએ ખુલાસો કરીને સ્પષ્ટ કર્યું છે કે અનિલ દેશમુખ સામે કેસ બંધ કરવા માટે તેમના તરફથી કોઈ ભલામણ કરવામાં આવી નથી.

 

અનિલ દેશમુખ પર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, ગૃહમંત્રી તરીકે ફરજ બજાવતી વખતે દેશમુખે સચિન વાજે અને અન્ય પોલીસ અધિકારીઓને હોટલ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો. આ આરોપ પર, બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને નિર્દેશ આપ્યો હતો કે દેશમુખ સામેના આરોપોની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવે અને જો કોઈ તથ્ય મળી આવે તો તપાસ આગળ વધારવામાં આવે.

(9:34 pm IST)