Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જમ્મુમાં હાઇએલર્ટ : મંદિરો પર હુમલો કરવાનું ષડયંત્ર

સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની યોજના બનાવી રહ્યા છે આતંકી સંગઠનો

નવી દિલ્હી તા. ૩૦ : પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન ભારતમાં મોટી આતંકી ઘટનાઓને અંજામ આપવાની ફિરાકમાં છે. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૌયબા ભારતમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવા માટે મંદિરો પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. આ અંગેના ગુપ્ત એજન્સી પાસેથી ઇનપુટ મળ્યા બાદ જમ્મુમાં હાઇએલર્ટ જાહેર કર્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ આખા શહેરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર કાશ્મીરમાં સેના દ્વારા મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.કાશ્મીરમાં રઘુનાથ મંદિર, બાવે લાલી માતા મંદિર જેવા ઘણા પ્રાચીન મંદિરો છે. અગાઉ આતંકીઓ રઘુનાથ મંદિર પર હુમલો કરી ચુકયા છે.

એવી માહિતી સામે આવી છે કે આતંકી સંગઠનો દ્વારા ૫ ઓગસ્ટ અથવા તો ૧૫ ઓગસ્ટે જમ્મૂ કશ્મીરના મંદિરો પર હુમલો કરવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે ૫ ઓગસ્ટે કશ્મિરમાંથી કલમ ૩૭૦ હટાવામાં આવી હતી. જેને ૨ વર્ષ હવે પૂરા થશે. જેથી એવી શકયતા સેવાઈ રહી છે કે ૫ ઓગસ્ટે આતંકી સંગઠનો દ્વારા હુમલો કરવામાં આવી શકે છે.

સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે ડ્રોન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો. તે હુમલો પણ પાકિસ્તાની સંગઠનો દ્વારા કરવામાં આવ્યો હતો.

હાલ આંતંકી સંગઠનો એવીજ રીતે ભીડભાડ વાળી જગ્યાઓ પર કે પછી મંદિરોમાં બ્લાસ્ટ કરી શકે છે.

રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ એવું કહ્યું કે આતંકી સંગઠનો દ્વારા અત્યાર સુધીમાં ત્રણ જેટલા પ્રયાસો કરવામાં આવ્યા છે. જે પ્રયાસો નિષ્ફળ રહ્યા. બીજા એક અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ડ્રોનનો ઉપયોગ આઈઈડી લાવવા માટે કરવામાં આવ્યો હતો. જે આઈઈડી ઘાટીમાં હાજર આતંકીઓ સુધી પહોચાડવામાં આવ્યા છે.

(4:03 pm IST)