Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સહમતીથી સંબંધ બાંધ્યો હોય તો પુરૂષ દુષ્કર્મનો દોષી નહીં : પંજાબ હરિયાણા હાઇકોર્ટ

કુરૂક્ષેત્રમાં દુષ્કર્મની ઘટનામાં જામીન આપતી વખતે કોર્ટની ટિપ્પણી

નવી દિલ્હી, તા. ૩૦ : લગ્નનું વચન આપ્યા બાદ જો વિવાહિત મહિલાની સહમતિથી સંબંધ બન્યા હોય તો તેવામાં પુરૂષને સંપૂર્ણપણે દોષી ન કહી શકાય. પંજાબ-હરિયાણા હાઇકોર્ટે દુષ્કર્મના આરોપીને જામીન આપતી વખતે આ મહત્વની ટિપ્પણી કરી હતી. જોકે ટ્રાયલ કોર્ટને આ ટિપ્પણીઓ પર ધ્યાન આપ્યા વગર ટ્રાયલ પૂરી કરવાની સલાહ આપવામાં આવી છે.

આરોપીએ અરજીમાં જણાવ્યું હતું કે, મહિલાએ ૧૭ માર્ચના રોજ કુરૂક્ષેત્ર ખાતે તેના વિરૂદ્ધ દુષ્કર્મ અને એસસી/એસટી એકટનો કેસ દાખલ કરાવ્યો હતો. હાઈકોર્ટે અરજીકર્તા અને સરકારની દલીલો સાંભળ્યા બાદ જણાવ્યું કે, એફઆઈઆર જોઈને સ્પષ્ટ થાય છે કે, મહિલા સાથે બળજબરીથી સંબંધ નહોતા બાંધવામાં આવ્યા.

આરોપ પ્રમાણે મહિલાને તેના પતિ સાથે સારા સંબંધો નહોતા. આ બધા વચ્ચે અરજદારે તેના સાથે લગ્ન કરવાનું વચન આપીને તેના સાથે સંબંધ બાંધ્યા હતા. હાઈકોર્ટે જણાવ્યું કે, આ કેસમાં લગ્નનું વચન અપાયું અને કોઈ કારણસર લગ્ન ન થઈ શક્યા. આ કારણે આ કેસ સહમતિથી સંબંધ બંધાયાનો છે. સાથે જ મહિલા હાલ વિવાહિત છે અને તેના પતિ સાથે છૂટાછેડા નથી થયા તો આમ પણ તે હાલ આરોપી સાથે લગ્ન ન કરી શકે.

આ સંજોગોમાં જો આરોપો સંપૂર્ણપણે સાબિત થઈ પણ જાય તો તેમાં પુરૂષને સંપૂર્ણપણે દોષી ન માની શકાય. હાઈકોર્ટે જણાવ્યું કે, એસસી/એસટી એકટ લગાવતી વખતે એવો કોઈ ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો જેનાથી આ સાબિત થાય કે, ફરિયાદકર્તાનું જાતિના કારણે અપમાન થયું હોય કે તેને પીડિત બનાવવામાં આવી હોય.

(3:13 pm IST)