Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મેડિકલ સહિતના ખર્ચ પૂરા કરવા ગુજરાતીઓએ વેચ્યું ૨૦ મેટ્રિક ટન સોનુ

મહામારીએ કમર તોડીઃ મહામારી દરમિયાન સોનું વેચવાનો અને ગોલ્ડ લોન લેનારાની સંખ્યા વધી : મહામારીના કારણે આર્થિક સ્થિતિ નબળી પડી છે અને રોકડની સગવડ કરવા લોકો સોનું વેચી રહ્યા છેઃ મહામારી દરમિયાન દેશના ગ્રામ્ય વિસ્તારના લોકોએ સોનું વેચ્યું: ભારતમાં થયેલા સ્ક્રેપ ગોલ્ડના વેચાણનો ૨૦% હિસ્સો ગુજરાતમાંથી આવ્યો છે

નવી દિલ્હી, તા.૩૦: મહામારીના કારણે આર્થિક સ્થિતિ નબળી પડી છે અને રોકડની સગવડ કરવા લોકો સોનું વેચી રહ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ અસોસિએશન (IBJA)ના અંદાજ પ્રમાણે, મહામારી દરમિયાન ભારતમાં થયેલા સ્ક્રેપ ગોલ્ડના વેચાણનો ૨૦% હિસ્સો ગુજરાતમાંથી આવ્યો છે.

ગુરુવારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) દ્વારા લોન્ચ કરાયેલા લેટેસ્ટ ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ (GDT) મુજબ, એપ્રિલ ૨૦૨૦થી જૂન ૨૦૨૧ સુધીમાં રોકડના બદલે ૧૧૧.૫ મેટ્રિક ટન સ્ક્રેપ ગોલ્ડ (સોનાની ભંગાર થયેલી કે તૂટી ગયેલી વસ્તુઓને વેચીને રિસાઈકલ માટે આપવું) વેચવામાં આવ્યું હતું. IBJAના નિષ્ણાતોના અનુમાન પ્રમાણે, ૨૨ મેટ્રિક ટન ગોલ્ડ (બુલિયન અને જવેલરી બંને) લોકો દ્વારા વેચવામાં આવ્યું હતું.

IBJAના ડાયરેકટર હરેશ આચાર્યએ કહ્યું, 'લોકડાઉન બાદ ઘણાં લોકોએ નોકરી ગુમાવી અથવા આવકના સ્ત્રોત દ્યટી જતાં આર્થિક સ્થિતિ નબળી પડવા લાગી. મહામારી દરમિયાન આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે લોકો સોનું અથવા સોનાના દાગીના વેચી રહ્યા છે. દેશમાં વેચાયેલા કુલ સ્ક્રેપ ગોલ્ડમાંથી ૨૦% વેચાણ ગુજરાતમાંથી થયું છે.

WGCના ભારતના મેનેજિંગ ડાયરેકટર સોમસુંદરમે કહ્યું, મહામારીના કારણે ભારતમાં ગોલ્ડ રિસાઈકલિંગમાં ૧૫ ટકાનો ઉછાળો આવ્યો છે. અંગત અને મેડિકલ ખર્ચને પહોંચી વળવા માટે લોકો સોનું વેચી રહ્યા છે. સોનાની કિંમતમાં વધારો થતાં ઘણાં લોકોએ નફાની તક જોઈને પણ વેચી કાઢ્યું હતું.

લેટેસ્ટ GDT રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, 'ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાની બીજી લહેરની આક્રમકતા અને ફેલાવાને લીધે આવક પર વિવિધ સ્તરે અસર થઈ છે. મહામારી દરમિયાન મેડિકલ ખર્ચને પહોંચી વળવા માટે દ્યણાં વ્યકિતઓએ સોનું વેચવાનો નિર્ણય લીધો હતો.'

રસપ્રદ રીતે, ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન ગોલ્ડ રિસાઈકલિંગમાં ૩૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો, તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે. સોમસસુંદરમના કહેવા અનુસાર, સોનું વેચીને રોકડ મેળવવા ઉપરાંત ગોલ્ડ લોનની લેનારાના સંખ્યા પણ વધી છે. સોના સાથે લોકોનું ભાવનાત્મક જોડાણ હોય છે ત્યારે તેઓ જલદી તેને છોડવા માગતા નથી. આ જ કારણે ગોલ્ડ લોન લેનારાની સંખ્યામાં વધારો થયો છે. સોનાની કિંમતો ઊંચી હોવાથી સારું વળતર મળે છે તેમજ RBIએ લોન ટુ વેલ્યુ રેશિયો ૯૦ ટકા કર્યો છે, જેના કારણે સોનું વેચી દેવા કરતાં ગિરવે મૂકવાનું વધુ પસંદ કરવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું.

બુલિયન ટ્રેડર્સનું કહેવું છે કે, સોનું વેચનારા અથવા ગોલ્ડ લોન લેનારા મોટાભાગના લોકો ભારતના ગ્રામ્ય વિસ્તારોના હતા. તેમણે આ પગલું કોરોનાની બીજી લહેર દરમિયાન મેડિકલ ખર્ચને પહોંચી વળવા ઉઠાવ્યું હતું.

(3:06 pm IST)