Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

શિક્ષકો પોતાની માંગણી સાથે સોશ્યલ મીડિયામાં વ્યાપક આંદોલન ચલાવશે

બિનસરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નો વણઉકલ્યા: 1 ઓગસ્ટથી 7 દિવસ માટે સોશિયલ મિડીયા પર વિરોધ નોંધાવશે

 

અમદાવાદ :બિનસરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા 1 ઓગસ્ટથી 7 દિવસ માટે સોશિયલ મિડીયા પર વ્યાપક આંદોલન ચલાવવાનો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષકો પોતાની માંગણી સાથેનો પોતાનો ફોટો સોશિયલ મિડીયા પર અપલોડ કરી પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આ આંદોલન પછી બીજા અને ત્રીજા તબક્કાના આંદોલનની તૈયારી કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

બિન સરકારી અનુદાનિત અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નો શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી, સાતમા પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ, હાઈકોર્ટના ચુકાદા બાદ પણ જૂના શિક્ષકની લંબાયેલી ભરતી પ્રક્રિયા, આચાર્યની નિમણુંક વખતના ઠરાવ મુજબ તમામને એક ઈજાફાનો લાભ, જૂની પેન્શન યોજનાનો અમલ, નિતી વિષયક નિર્ણયોમાં શિક્ષણ સહાયકોની બદલી, સહાયકોને ફિક્સ પગારના વધારાનો તફાવત, સુરક્ષાચક્ર તથા અન્ય પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ ન આવતા શિક્ષકોમાં નિરાશા તથા વ્યાપક ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

તમામ જિલ્લાઓમાંથી સંગઠનને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. જે અનુસંધાને પડતર પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે અગાઉ શિક્ષણમંત્રીને 1 ઓગસ્ટ સુધીમાં યોગ્ય ઉકેલ લાવવા માગણી કરવામાં આવી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ હતી. છતાં આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની રાજ્ય કારોબારી દ્વારા સર્વાનુમતે 1 ઓગસ્ટ, 2021થી 7 ઓગસ્ટ, 2021 સુધી વિવિધ સોશિયલ મિડીયામાં ઉગ્ર વિરોધ સાથે પડતર પ્રશ્નોના ઉકેલ માટે જલદ આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આંદોલનના સમયગાળામાં પડતર પ્રશ્નો સંલગ્ન તમામ શિક્ષકો પોતાની માંગ સાથેનો ફોટો તથા સેલ્ફી પોતાની શાળઆના બેનર, શાળાના બ્લેક બોર્ડ પર માગણીઓ સંદર્ભે સુત્રો લખી વિવિધ સોશિયલ મિડીયા જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર તથા અન્ય પર અપલોડ કરવા તથા શેર કરવા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની રાજ્ય કારોબારી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. સોશિયલ મિડીયા દ્વારા ચલાવવામાં આવતા આ આંદોલનમાં અપલોડ કરેલા ફોટો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના માધ્યમિક સંવર્ગોના તમામ ગ્રુપ તથા સંવર્ગોના અધ્યક્ષના વોટ્સએપ નંબર પર પણ મોકલવા માટે સુચના અપાઈ છે. આ કાર્યક્રમ બાદ બીજા અને ત્રીજા તબક્કાના કાર્યક્રમો નક્કી કરી જાહેર કરાશે.

(12:50 am IST)