Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

એર ઇન્ડીયાએ દેવું ચૂકવવા છ વર્ષમાં 115 મિલ્કતો વેચી નાખી : 738 કરોડ રૂપિયા મળ્યા : લોકસભામાં મંત્રીએ આપી માહિતી

એર ઈન્ડિયાએ નાણા ઉભા કરવા માટે તેની અસ્કયામતોનાં 111 પાર્સલની ઓળખ કરી

નવી દિલ્હી :  લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય કક્ષાનાં નાગરિક ઉડ્ડયન મંત્રી વીકે સિંઘે માહિતી આપી કે એર ઈન્ડિયાએ નાણા ઉભા કરવા માટે તેની અસ્કયામતોનાં 111 પાર્સલની ઓળખ કરી છે. તેમાંથી 106 પાર્સલ સંપત્તિ ભારતમાં છે અને બાકીની પાંચ વિદેશી સંપત્તિઓ છે. તેમણે કહ્યું કે 11 સંપત્તિના પાર્સલમાં 211 એકમો છે, જે વેચાણ હેઠળ છે.

વીકે સિંહે કહ્યું, એર ઇન્ડિયાને વર્ષ 2015 થી 12 જુલાઈ 2021 સુધીમાં 115 મિલકતોના વેચાણથી અત્યાર સુધીમાં 738 કરોડ રૂપિયાની મળ્યા છે. તે ઉપરાંત, એર ઈન્ડિયાને લીઝ રેન્ટલ (ભાડા)ની આવકથી વાર્ષિક 100 કરોડ રૂપિયા મળે છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર હાલમાં એર ઈન્ડિયા વેચવાની તૈયારીમાં છે.

એર ઈન્ડિયા સ્પેસિફિક અલ્ટરનેટિવ મિકેનિઝમ (AISAM) ના 2018 ના નિર્ણય મુજબ, ડિસઇન્વેસ્ટ કરવા માટે બંધાયેલ એર ઈન્ડિયા તેનું દેવુ પૂરૂ કરવા માટે તેની નિશ્ચિત સંપત્તિનું વેચાણ કરી રોકડ રકમ ઉભી રહી છે. આ પ્રમાણે માર્ચ 2019 સુધીમાં કંપની પર લગભગ 60,000 કરોડનું દેવું હતું.

આ સાથે જ વીકે સિંઘે માહિતી આપી કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ તેના સંયુક્ત સાહસ એરપોર્ટ્સ અને જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) એરપોર્ટ દ્વારા 2020-21 સુધીમાં 30,069 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ એરપોર્ટો ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત છે. હાલમાં, AAI ના ઘણા મોટા એરપોર્ટ (દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ અને નાગપુર) ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત છે.

(12:00 am IST)