Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ભારત પેટ્રોલિયમના ખાનગીકરણ પૂર્વે કર્મચારીઓને VRSનો વિકલ્પ

મોદી સરકાર દેશની મોટી ઓઈલ કંપની વેચશે : ભારત પેટ્રોલિયમ માટે વીઆરએસ યોજના-૨૩ જુલાઈ ૨૦૨૦એ ખુલી છે અને ૧૩મી ઓગષ્ટે બંધ થઇ જશે

નવી દિલ્હી, તા. ૨૯ : દેશની જંગી નફો કરતી જાહેર ક્ષેત્રની કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન(બીપીસીએલ) પોતાના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના(વીઆરએસ) લઈને આવી છે. કેન્દ્ર સરકાર દેશની ત્રીજા નંબરની સૌથી મોટી તેલ રિફાઈનરી તથા બીજા નંબરની સૌથી મોટી પેટ્રોલિયમ વિતરણ કંપનીનું ખાનગીકરણ કરવા જઈ રહી છે. ખાનગીકરણ પહેલાં કંપનીએ પોતાના કર્મચારીઓને વીઆરએસ આપવાની ઓફર કરી છે. બીપીસીએલ એ પોતાના કર્મચારીઓને મોકલેલી આંતરિક નોટિસમાં કહ્યું કે, કંપનીએ વીઆરએસની ઓફર આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજના એ કર્મચારીઓ માટે છે, જે વિવિધ વ્યક્તિગત કારણોથી કંપનીમાં પોતાની સેવા ચાલું રાખવાની સ્થિતિમાં નથી. એ કર્મચારીઓ વીઆરએસ માટે અરજી કરી શકે છે. ભારત પેટ્રોલિયમ વીઆરએસ યોજના- ૨૩ જુલાઈ ૨૦૨૦એ ખુલી છે અને ૧૩મી ઓગષ્ટે બંધ થશે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે વીઆરએસ એ કર્મચારીઓને બહાર નીકળવાનો વિકલ્પ આપવા માટેની ઓફર છે, જે ખાનગી મેનેજમેન્ટ હેઠળ કામ કરવા ઈચ્છતા નથી. બીપીસીએલમાં સરકાર પોતાની સંપૂર્ણ ૫૨.૯૮ ટકા ભાગીદારી વેચી રહી છે. બીપીસીએલના કુલ કર્મચારીઓની સંખ્યા ૨૦૦૦૦ છે. અધિકારીએ કહ્યું કે પાંચ થી ૧૦ ટકા કર્મચારીઓ વીઆરએસનો વિકલ્પ પસંદ કરી શકે છે.

           જોકે, આ દરમિયાન બીપીસીએલના અધિકારીઓનાય યુનિયને કહ્યું હતું કે ૯ લાખ કરોડ રુપિયાના મૂલ્યની ખૂબ કિંમતી કંપનીને કોડીને ભાવે વેચવામાં આવી રહી છે અને કંપનીનું ખાનગીકરણ દેશ માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. બીપીસીએલ મુંબઈ,કોચિન, મધ્યપ્રદેશના બીના અને નુમાલીગઢ-અસમમાં પ્રતિવર્ષે ૩૮.૩ ટનની સંયુક્ત ક્ષમતાની સાથે ચાર રિફાઈનરીનું સંચાલન કરેછે, જે ભારતની ૨૪૯.૮ મિલિયન ટનની કુલ ક્ષમતાનો ૧૫.૩ ટકા હિસ્સો છે. દેશભરમાં બીપીસીએલના લગભગ ૧૬૩૦૯ પેટ્રોલપંપ અને ૬૧૧૩ એલપીજી વિતરક એજન્સી છે. આ સિવાય ૫૧ એલપીજી બોટલિંગ પ્લાન્ટ છે. બીપીસીએલના ખાનગીકરણ માટે બે ચરણોમાં બોલી લગાવવામાં આવશે. પહેલા ચરણમાં ઈઓઆઈ માટે અને બીજા ચરણમાં નાણાકીય બોલી લગાવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બર મહિનામાં કેન્દ્રીય મંત્રીમંડળે બીપીસીએલમાં સરકારે પોતાના તમામ હિસ્સાના વેચાણ માટે મંજૂરી આપી હતી. સરકારનું કહેવું હતું કે રણનીતિક ડિસઈન્વેસ્ટમેન્ટથી જે રકમ પ્રાપ્ત થશે, તેનો ઉપયોગ સામાજિક યોજનાઓના આર્થિક પોષણમાં કરાશે,જેનાથી લોકોને ફાયદો થશે.

(12:00 am IST)