Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

વિશ્વમાં સ્માર્ટફોન અને પર્સનલ કમ્પ્યુટરનું વૈશ્વિક વેચાણ ઘટશે

ચીનમાં મોંઘવારીના પગલે ગ્રાહકો દ્વારા ખર્ચમાં કાપ : વિશ્વમાં સૌથી મોટાં સ્માર્ટફોન માર્કેટ ગણાતા ચીન ખાતે તેની શિપમેન્ટમાં ૧૮ ટકા ઘટવાની ધારણા વ્યક્ત કરાઈ

મુંબઇ, તા.૩૦ : ચીનમાં ધીમી પડી રહીલ આર્થિક વૃદ્ધિ અને મોંઘવારીના પગલે ગ્રાહકો દ્વારા ખર્ચમાં કાપ મૂકવાના પરિણામે વર્ષ ૨૦૨૨માં સ્માર્ટફોન અને પર્સનલ કોમ્પ્યુટરની વૈશ્વિક શિપમેન્ટ ઘટવાની આગાહી કરવામાં આવી છે. રિસર્ચ ફર્મ ગાર્ટનરના જણાવ્યા અનુસાર વિશ્વમાં સૌથી મોટાં સ્માર્ટફોન માર્કેટ ગણાતા ચીન ખાતે તેની શિપમેન્ટ ૧૮% ઘટવાની ધારણા છે કારણ કે કોરોના મહામારી સંબંધિત કડક નિયંત્રણોના શાંઘાઇ સહિતના મુખ્ય ઇકોનોમિક હબમાં પ્રવૃત્તિઓ અટકવાને લીધે માંગ નોંધપાત્ર ઘટી ગઇ છે.

રિસર્ચ ફર્મે વર્ષ ૨૦૨૨માં સમગ્ર દુનિયામાં સ્માર્ટફોનની શિપમેન્ટ સાત ટકા ઘટવાની ધારણા વ્યક્ત છે, જે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને રશિયા-યુક્રેન સંઘર્ષની માંગ પણ સંભવિત અસરોને પ્રતિબિંબિત કરે છે.

જાણકારોએ જણાવ્યું કે, *ભૌગોલિક રાજનીતિ અફરા-તફરી, ઉંચો ફુગાવો, ચલણના મૂલ્યમાં વધઘટ અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપો સહિતના એક સંપૂર્ણ વાવાઝોડાએ દુનિયાભરમાં ઉપકરણોની વ્યાપાર અને વપરાશ માંગમાં ઘટાડો લાવ્યો છે અને તે વર્ષ ૨૦૨૨માં પર્સનલ કોમ્પ્યુટર માર્કેટને સૌથી વધુ અસર  કરશે. ગાર્ટનરના મતે ચાલુ વર્ષે કોમ્પ્યુટરની વૈશ્વિક શિપમેન્ટમાં ૯.૫ ટકાનો ઘટાડો થશે.

કોરોના મહામારીના વિતેલા બે વર્ષ દરમિયાન વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન- ડિજિટલાઇઝેશન પર ભાર મૂકતા કોમ્પ્યુટરની માંગ અનપેક્ષિત દરે વધ્યા બાદ હવે બજારે મંદીનો સામનો કરવો પડશે.

(8:25 pm IST)