Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

GSTના પ વર્ષ પૂરાઃ બોગસ બિલો હજુય પડકાર

૩૪૦૦૦ કરોડના ૧૮૭૫ બોગસ બિલ કૌભાંડ થયા : રૂા.૪૫૪૮ કરોડની કરચોરીઃ ૮૪ લોકોની થઇ ધરપકડ

નવી દિલ્‍હી, તા.૩૦: જીએસટી શરૂ થયાને પાંચ વર્ષ થવા છતા ગુજરાતમાં બોગસ બીલીંગના ૧૮૭૫ કૌભાંડ ઝડપાયા છે, જેમાં ૩૪,૦૦૦ કરોડ રૂપિયાની રકમ સામેલ છે એન તેના કારણે રૂપિયા ૪૫૪૮ કરોડનો ટેક્ષ અટવાયો છે. પાંચ વર્ષમાં ઘણા બધા સુધારાઓ થવા છતા બોગસ બીલીંગ દ્વારા મોટા પાયે ટેક્ષ ચોરી થાય છે જે કર અધિકારીઓ માટે માથાનો દુખાવો બની ગયેલ છે.

સુત્રોએ કહ્યું કે ટેક્ષ ચોરી કરનારાઓ દ્વારા અપનાવાતી અવનવી પધ્‍ધતિઓ ટેક્ષ અધિકારીઓ દ્વારા શોધવી, પકડવી અને મોટી રકમ રીકવર કરવી બહુ અઘરી બની જાય છે.

રાજયના કોમર્શીયલ ટેક્ષ કમિશનર મિલીંદ તોરવણેએ કહ્યું ‘રાજય અને કેન્‍દ્ર સરકારે કાયદામાં ઘણી જોગવાઇઓ કરી છે પણ કૌભાંડકારો સતત પોતાની મોડસ ઓપરેન્‍ડી બદલાવતા રહે છે. જો કે અમે પણ આવા કૌભાંડકારી ટ્રાન્‍ઝેકશનોને પકડવા માટે બીઝનેસ ઇન્‍ટેલીજન્‍સ ટુલ્‍સ વાપરીને બોગસ બીલીંગ કૌભાંડો પકડતા રહીએ છીએ. વધુમાં અમે ટેક્ષ ચોરીના નાણા પાછા મેળવવા પર વધારે ધ્‍યાન આપી રહ્યા છીએ.'

સુત્રોએ કહ્યુ કે કર વિભાગ દ્વારા એક ફીનટેક ફર્મ પાસેથી એકસપ્રેસન ઓફ ઇન્‍ટરેસ્‍ટ એપ્‍લીકેશન માટે વાતચીત ચાલી રહી છે. જે આવા ટ્રાન્‍ઝેકશનો પકડીને કરચોરીના નાણા મેળવવામાં મદદરૂપ બને.

૨૦૨૧ના એપ્રિલથી ડીસેમ્‍બર દરમ્‍યાન બોગસ બીલીંગના ૧૧૭૨ કેસો રાજયમાં પકડાયા છે જે અગાઉના ત્રણ વર્ષના કુલ કેસો કરતા ૬૭ ટકા વધારે છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ દરમ્‍યાન બોગસ બીલીંગના કુલ ૭૦૩ કેસ પકડાયા હતા તેવુ રાજયના જીએસટી વિભાગના અધિકારીએ જણાવ્‍યુ હતું.(૨૩.૮)

કરચોરીમાં કયા ધંધાઓ સંડોવાયેલા

ધાતુ અને ધાતુના ભંગારનો               ધંધો કરતી કંપનીઓ

તમાકુના વેપારીઓ

સીરામીકના ઉત્‍પાદકો

પાન મસાલાની દુકાનો

રિસોર્ટસ

 કોચીંગ કલાસ

(12:05 pm IST)