Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

આપ ના નેતાઓ પર હુમલાના ઘેરા પ્રત્યઘાત : વિસાવદર પોલીસ સ્ટેશને આમ આદમી પાર્ટીના ૨૦૦થી વધારે કાર્યકર્તાઓ પહોંચ્યા

હુમલા વખતે પોલીસ મૂક પ્રેક્ષક કેમ ? : હુમલો કરનારા લેરિયા ગામના નહીં પરંતુ કોઈ અજાણ્યા હતા : હુમલાખોરો ન પકડાય ત્યાં સુધી રામધુન બોલાવવાનો નિર્ણય

આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથ મંદિરના દર્શન કરીને શરૂ કરાયેલી જન સંવેદના યાત્રા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લેરીયા ગામે પહોંચી ત્યારે આમ આદમી પાર્ટીની પાંચ જેટલી ગાડીઓના કાફલા ઉપર ગળામાં કેસરી રંગના પટ્ટા પહેરેલા ૧૫થી ૨૦ જેટલા અસામાજિક તત્ત્વોએ શરૂઆતમાં કાળા વાવટા બતાવી અને ત્યારબાદ લાકડીયો અને પાઈપો વડે હિંસક હુમલો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા

ઘટનાસ્થળ પર ઉપસ્થિત આમ આદમી પાર્ટીના વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જન સંવેદના યાત્રા ની પાંચ જેટલી ગાડીઓનો કાફલો લેરીયા ગામે આયોજિત કાર્યક્રમના સ્થળના ગેટ પાસે પહોંચ્યો ત્યારે અગાઉથી જ પ્રિ પ્લાનિંગ મુજબ ૧૫થી ૨૦ જેટલા ગળામાં કેસરી પટ્ટા પહેરેલા લોકો કાળા વાવટા લઈને ઊભા હતા. ત્યારે જેવી કાફલાની પ્રથમ ગાડી ઊભી રહી ત્યાં કાળા વાવટા લઈને ઉભેલા અજાણ્યા શખ્સોએ નારા બોલાવી લાકડીયો અને પાઈપો વડે સીધો હુમલો શરૂ કર્યો હતો.

 

જોકે આ પાંચ ગાડીઓના કાફલા માં એક ગાડીમાં આમ આદમી પાર્ટીના નવનિયુક્ત નેતા મહેશભાઈ સવાણી, પ્રવિણ રામ અને ઇસુદાન ભાઈ ગઢવી હતા. ત્યારે કેટલાક શખ્સોએ તેમને ઇજા પહોંચાડવા માટે ગાડી ના કાચને પથ્થરો અને લાકડીઓ વડે તોડી નાખ્યા હતા. જેમાં આ ત્રણે નેતાઓએ સતર્કતા દાખવતા તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે સ્થાનિક કાર્યકરોએ જણાવ્યું હતું કે હુમલો કરનાર વ્યક્તિઓ લેરિયા ગામ ના ન હતા પરંતુ કોઇ અજાણ્યા હતા.

ઘટનાસ્થળ પાસે પોલીસની એક ગાડી ઊભી હોવા છતાં પણ જ્યારે આ મારામારીની ઘટના ચાલી રહી હતી ત્યારે પોલીસે દખલગીરી કરવાને બદલે માત્ર મૂક પ્રેક્ષક બની રહી હોવાનું ઘટનાસ્થળ પર હાજર આમ આદમી પાર્ટીના વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

હાલમાં વિસાવદર પોલીસ સ્ટેશને આમ આદમી પાર્ટીના ૨૦૦થી વધારે કાર્યકર્તાઓ એકઠા થયા છે અને આ કાર્યકર્તાઓ દ્વારા હુમલાખોરો ન પકડાય ત્યાં સુધી રામધુન બોલાવવાનો નિર્ણય કરાયો છે. અત્રે નોંધનીય છે કે આ મારામારી દરમિયાન આમ આદમી પાર્ટીના બે કાર્યકર્તાઓ વધારે ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલ ખસેડાયા છે.

(11:32 pm IST)