Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ખેડૂત આંદોલન વચ્ચે ઉત્તરપ્રદેશના ગેટ ગાજીપુર બોર્ડરે ખેડૂતો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારીઃ ૮૦ ગાડીમાં તોડફોડ

ભાજપના નેતા અમિત વાલ્મીકીના સ્વાગત વખતે બઘડાટી બોલીઃ ખેડૂતોએ કાળા વાવટા ફરકાવ્યા

નવી દિલ્હી, તા. ૩૦ :. કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂતો દ્વારા થયેલા પ્રદર્શનને સાત મહિના વીતી ગયા છે. આ દરમ્યાન ઉત્તર પ્રદેશ ગેટ ગાજીપુર બોર્ડર પર સવારે ખેડૂતો અને ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે મારામારીની ઘટના સામે આવતા અરેરાટી ફેલાઈ છે. આ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી અને અમુક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. માહિતી અનુસાર, આશરે સવારે ૧૦ વાગ્યે ભાજપના કેટલાંક કાર્યકર્તા ભાજપ નેતા અમિત વાલ્મિકીના સ્વાગતમાં આંદોલન સ્થળની નજીક પહોંચ્યા હતા. જ્યાં ઢોલ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ અંગે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો અને કાળા વાવટા ફરકાવવાનું શરૂ કર્યુ હતું.

ભાજપના એક કાર્યકર્તાએ કહ્યું, અમે અમારા નેતાનું સ્વાગત કરી રહ્યાં હતાં. આ દરમ્યાન અમુક લોકો સામે આવ્યાં. જેમના હાથમાં લોખંડના ડંડા હતા. તેમણે ગાડીઓમાં તોડફોડ કરી હતી અને મારામારી કરી. પ્રદર્શનકારીઓએ લગભગ ૭૦ થી ૮૦ ગાડીઓમાં તોડફોડ કરી છે. ભાજપ નેતા રનિતાસિંહે કહ્યું, ભાજપ નેતા અમિત વાલ્મિકીના સ્વાગતમાં અમે શાંતિપૂર્ણ રીતે ઉભા હતા. આ દરમ્યાન ટીકૈતના સમર્થકો હથિયાર લઈને આવ્યાં હતા અને અમારી બહેનોની સાથે મારામારી કરી હતી. જેના કારણે કેટલાંક લોકો ઘાયલ થયા હતા.

એક તરફ પ્રદર્શનકારીઓએ મારામારી કરી તો બીજી તરફ ખેડૂતોનો આક્ષેપ છે કે ભાજપના કેટલાંક કાર્યકર્તાઓ આંદોલન સ્થળ પર પહોંચી ખેડૂતોની વિરુદ્ધમાં નારેબાજી કરી રહ્યા હતાં ત્યારે ખેડૂતો અને ભાજપના નેતાઓની વચ્ચે ઘર્ષણ થયુ. ખેડૂતોએ વધુમાં કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ અપશબ્દો ભાંડી રહ્યાં હતા તો ત્યારે તેમણે તેમણે પત્થર ફેંકવાનું શરૂ કર્યુ, બાદમાં આ ઘટનાને અંજામ અપાયો.

(4:11 pm IST)