Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

આંતરરાષ્ટ્રીય ફલાઈટસ પરનો પ્રતિબંધ ૩૧ જુલાઈ સુધી લંબાવાયો

૨૩ માર્ચ ૨૦૨૦ના સૌપ્રથમ દેશમાં આંતરાષ્ટ્રીય પેસેન્જર ફલાઈટસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા.૩૦: કોરોના મહામારીને પગલે બંધ કરવામાં આવેલી આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ વધુ એક મહિનો લંબાવાયો છે. ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશને જણાવ્યું હતું કે, તમામ આંતરાષ્ટ્રીય  પેસેન્જર ફ્લાઈટ્સ પર ૩૧ જુલાઈ સુધી પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.

કેટલાક વિશેષ રૂટ પર અગાઉથી મંજૂરી આપવામાં આવેલી આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ચાલુ રાખવામાં આવશે. ખાસ કેસમાં કેટલીક ફ્લાઈટ્સને મંજૂરી મળી શકે છે તેમ ડીજીસીએએ જણાવ્યું હતું. કોરોના કાળના પ્રારંભે ૨૩ માર્ચ ૨૦૨૦થી દેશમાં આંતરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરદેશમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા માટે વંદે ભારત મિશન અંતર્ગત મે ૨૦૨૦માં વિશેષ આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ બન્ને દેશો વચ્ચે ખાસ કરાર સાથે દ્વીપક્ષી એર બબલ દ્વારા મુસાફરોને વતન પરત લાવવામાં આવ્યા હતા.

ભારતે ૨૪ દેશો સાથે એર બબલ કરાર કર્યા હતા જેમાં યુએસ, યુકે, યુએઈ, કેન્યા, ભૂતાન અને ફ્રાન્સ જેવા દેશોનો સમાવેશ થાય છે. એર બબલ અંતર્ગત બે દેશો વિશેષ આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું પોતાની ટેરિટરીમાં સંચાલન કરી શકે છે.ડીજીસીએ મતે આ પરિપત્રથી અગાઉ મંજૂરી ધરાવતી આંતરાષ્ટ્રીય પેસેન્જર વિમાની સેવા તેમજ એર કાર્ગોને કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે.

(4:09 pm IST)