Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

રડારના સંકેતથી મંગળ ઉપર પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાની શકયતા વધુ પ્રબળ બની

નાસાના જેટ પ્રપલ્શન લેબોરેટરીના સંશોધક આદિત્ય આર ખુલ્લર અને જેફરી જે પ્લોટની આગેવાનીમાં શોધ : અભ્યાસ જિયોલોજીકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત થયો હતો : તાજેતરમાં થયેલી નવી શોધમાં મંગળના દક્ષિણ ધ્રુવની સપાટી નીચે તરલ સ્વરૂપમાં પાણીના તળાવ હોવાના સંકેત મળ્યા

નવી દિલ્હી તા. ૩૦ : વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર જીવનની શોધ કરી રહ્યા છે. આ સાથે જ મંગળ ગ્રહને જીવન માટે અનુકૂળ બનાવી શકે તેવી શકયતાઓની તપાસ પણ થઈ રહી છે. જેમાં સૌથી મહત્વની બાબત મંગળ પર પાણીના અસ્તિત્વની છે. મંગળ પર કેટલાક વિસ્તારોમાં પાણી બરફના સ્વરૂપમાં હોવાનું તો અત્યાર સુધીમાં સામે આવી ગયું છે. મંગળ પર કુલ કેટલું પાણી છે, તેના પર દલીલ થઈ રહી છે. આ દરમિયાન મંગળના દક્ષિણ ધ્રુવની સપાટી નીચે તરલ સ્વરૂપમાં પાણીના તળાવ હોવાના સંકેત તાજેતરમાં થયેલી નવી શોધમાં મળ્યા છે.

આ શોધના કારણે વૈજ્ઞાનીકો મંગળ પર પ્રવાહી પાણીની હાજરીની પુષ્ટિ કરવા તરફ એક પગલું નજીક આવ્યા છે. રડાર સંકેતોની તપાસના આધારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવા વિસ્તારોમાં ઘણા તળાવો છે. જે પ્રવાહી પાણીની દ્રષ્ટિએ ખૂબ ઠંડા હોય છે. આ અભ્યાસ ૨૦૧૮ના અભ્યાસને આગળ લઈ ગયો છે. અભ્યાસમાં રડાર ઇન્સ્ટ્રુમેન્ટમાંથી નીકળેલી તરંગો મંગળના દક્ષિણ ધ્રુવમાંથી એવી રીતે પ્રતિબિંબિત થયા હતા કે ત્યાં સપાટીની નીચે શુદ્ઘ જળનું તળાવ હોવાના સંકેત મળ્યા છે.

આ અભ્યાસ જિયોલોજીકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત થયો હતો. આ અભ્યાસમાં જણાવાયું હતું કે, મંગળના દક્ષિણ ધ્રુવમાં ઘણા એવા ક્ષેત્ર છે જયાં સપાટીની સરખામણીએ ઉર્જા વધુ પ્રમાણમાં પ્રતિબિંબિત થઈ રહી છે. શોધમાં આ જગ્યાના અગાઉના સંશોધનમાં આ તેજ પ્રતિબિંબ સપાટીની નીચેના તળાવોને કારણે હોઈ શકે તેવું જાણવા મળ્યું હતું.

નાસાના જેટ પ્રપલ્શન લેબોરેટરીના સંશોધક આદિત્ય આર ખુલ્લર અને જેફરી જે પ્લોટની આગેવાનીમાં આ શોધ થઈ હતી. જેમાં યુરોપીયન સ્પેસ એજન્સીના માર્સ એકસપ્રેસ ઓરબીટમાંથી મોકલાયેલા રડાર સંકેતોને મંગળ પર મોકલીને તેનું અધ્યયન કરવામાં આવ્યું હતું. આ સંકેતો સૌ પ્રથમ દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં મળી આવ્યા હતા. જેમાં બરફના પડ, કાર્બન ડાયોકસાઇડ અને લાખો વર્ષોથી ભેગી થયેલી ધૂળ હોય છે.

વિજ્ઞાનિકોએ ઓર્બીટરના માર્સ એડવાન્સ રડાર ફોર સબસર્ફેસ એન્ડ આયોનોસ્ફેરિક સાઉન્ડિંગ (MARSIS) ઉપકરણથી રોડિયો તરંગો મોકલ્યા હતા. આ તરંગો સપાટીની નીચેના સ્તરોના નકશા બનાવવામાં મદદ કરે છે. જયારે ટ્રાન્સમિશન પછી રેડિયો તરંગો સપાટીથી નીચે જાય ત્યારે ઉર્જા ગુમાવે છે અને નબળી પડી અવકાશયાનમાં પરત ફરે છે. પરંતુ કેટલીકવાર સપાટી પરથી પછી ફરતી તરંગો વધુ તેજ હોય છે.

વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે, સપાટીની નીચે પ્રવાહી પાણી હોવું જોઈએ, જે ખૂબ જ શકિતશાળી રેડિયો તરંગોને પ્રતિબિંબિત કરે છે. બંને સંશોધકો સ્પેસક્રાફટમાં લગાવેલા મર્સિસ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી લેવામાં આવેલા ૧૫ વર્ષથી વધુ ડેટાનો અભ્યાસ કર્યો હતો. જેમાંથી તેમને જાણવા મળ્યું કે, અગાઉ મળ્યાં હતાં તેના કરતા ઘણા વિશાળ ક્ષેત્રમાંથી આવા તરંગો આવી રહ્યા છે.

સંશોધન કહે છે કે, કેટલીક જગ્યાએ તેજ તરંગો સપાટીથી એક માઇલ કરતા પણ ઓછી ઊંડાઈથી પરત ફરી હતી. જેનું તાપમાન -૬૩ ડીગ્રી સેલ્શિયસ જેટલું છે. ત્યારે આટલા નીચા તાપમાને પાણી કેવી રીતે પ્રવાહી સ્વરૂપે રહી શકે તે સવાલ પણ ઉભો થાય છે. અત્યારે તો સંશોધકોએ આ અવલોકનોથી મંગળની આબોહવાના ઇતિહાસ વિશે પણ ઘણું શીખ્યું છે.

(3:51 pm IST)