Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

પાકિસ્તાનની ઘાતક સિક્રેટ મિની સબમરીનની જોવા મળી પહેલી તસવીર : ભારત માટે છે મોટો ખતરો

ઈસ્લામાબાદ તા. ૩૦ : પાકિસ્તાન ભલે પોતાને કંગાળ સાબિત કરીને દુનિયાભરના દેશો પાસેથી આર્થિક મદદની અરજ કરતું રહેતું હોય પરંતુ તે ચીનની સાથે મળીને ધીમે-ધીમે પોતાની સૈન્ય તાકાતને મજબૂત કરી રહ્યું છે. પાકિસ્તાનની આ ચતુરાઈનો ખુલાસો ત્યારે થયો જયારે પાકિસ્તાની નૌસેનાની સિક્રેટ મિની સબમરીનની પહેલી તસવીર દુનિયાની સામે આવી.

પાકિસ્તાને આ સિક્રેટ મિની સબમરીનને વર્ષ ૨૦૧૬થી દુનિયાની નજરોથી છુપાવીને રાખી હતી. પાકિસ્તાનના આ સિક્રેટ હથિયારને કરાચીના નૌસૈનિક હાર્બર પર ડ્રાય ડોકમાં રાખવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, સબમરીનને રિપેરિંગ માટે અહીં લાવવામાં આવી છે અને તેની પર કોઈ પણ પ્રકારનું કવર નથી લગાવવામાં આવ્યું. સબમરીનને જેવી બહાર કાઢવામાં આવી તે દરમિયાન સેટેલાઇટે તેની તસવીર કિલક કરી લીધી.

પાકિસ્તાનના કરાચીના નૌસૈનિક હાર્બર પર ડ્રાય ડોકમાં મિની સબમરીનની તસવીર ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ટ્વીટર હેન્ડલ @detresfa_ તરફથી જાહેર કરવામાં આવી છે. આ તસવીરમાં સબમરીનને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ તસવીરની સાથે કેપ્શનમાં એક લિંકને પણ શેર કરવામાં આવી છે, જેમાં સબમરીન સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે.

નોંધનીય છે કે, પાકિસ્તાને આ મિની સબમરીનને વર્ષ ૨૦૧૬માં જ તૈયાર કરી લીધી હતી પરંતુ હજુ સુધી તેને દુનિયાની નજરોથી બચાવીને રાખવામાં આવી હતી. દુનિયાભરની નૌસેના પર નજર રાખનારા વિશેષજ્ઞ એચ.આઇ. શૂટને પોતાની વેબસાઇટ કવર્ડ સોર્સમાં પાકિસ્તાની સબમરીન વિશે સૌથી પહેલા જાણકારી આપી હતી. શૂટરે આ સબમરીનને ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કરાચીના પીએનએસ ઇકબાઇ નૌસૈનિક પોર્ટ પર આયોજિત પાકિસ્તાની નેવી સીલ કોર્સની પાસિંગ આઉટ પરેડમાં જોઈ હતી.

પાકિસ્તાનની આ મિની સબમરીન ભારત માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. નોંધનીય છે કે, તે આકારમાં ઘણી નાની છે તેથી તે સરળતાથી ભારતના સમુદ્રી વિસ્તારમાં ઘૂસણખોરી કરી શકે છે. તેના નાના આકારના કારણે સોનાર સિસ્ટમ અને રડાર પણ તેને ઝડપથી પકડી નહીં શકે. જોકે, તેનો ઉપયોગ માત્ર દુશ્મન પર નજર રાખવા માટે થઈ શકે છે. નોંધનીય છે કે, તેની લંબાઈ ૫૫ ફુટ અને ગોળાઈ ૫થી ૭ ફુટની આસપાસ છે.

(3:49 pm IST)