Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોરોના મહામારી કાબુમાં લેવા જો બાયડન સરકારે અપનાવેલી નીતિ પરથી બોધપાઠ લે ભારત

પાંચ મહિનામાં અમેરીકામાં સ્થિતિ સંપુર્ણપણે બદલી ગઇ : ડેટા પારદર્શીતાની નીતિ અપનાવી મહામારી પ્રબંધન સંપુર્ણપણે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોને સોંપી તેમની સાથે સતત પરામર્શ કરવામાં આવ્યો : ભારતે હજુ પણ વૈજ્ઞાનીકો અને વિશેષજ્ઞોને શકિત અને સંશાધાન પુરા પાડી આંતરારષ્ટ્રીય ધોરણે આગળ વધવા ગ્રાઉન્ડ પુરૂ પાડવું જોઇએ

વોશીંગ્ટન, તા., ૩૦: જાન્યુઆરી-ર૦ર૧ની ૧ર મી તારીખે અમેરીકામાં કોરોનાની સ્થિતિ ભયાનક હતી. સરેરાશ દરરોજ ૩૦૦૦ મૃત્યુ થઇ રહયા હતા. પરંતુ જોતજોતામાં પાંચ મહિનામાં સ્થિતિ સંપુર્ણપણે બદલી ગઇ. મૃત્યુદરમાં આશ્ચર્યજનક ઘટાડો આવ્યો. ૩૦૦૦ થી લઇને દરરોજ માત્ર ૩૦૦ મૃત્યુ નોંધાવા લાગ્યા. પ૦ ટકા વસ્તીનું રસીકરણ થઇ ગયું. મે મહિનામાં રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર દ્વારા નવા દિશા-નિર્દેશો  લાગુ કરવામાં આવ્યા. જે લોકો રસીના બંન્ને ડોઝ લઇ ચુકયા છે. તેઓ માસ્ક નહિ પહેરે તો ચાલશે તેવું સતાવાર રીતે જાહેર કરી દેવાયું. મહામારી પહેલાનો સમય પાછો આવી ગયો છે તેવો વિશ્વાસ લોકોના મન મસ્તીસ્કમાં લાવવા માટે આ પગલું મહત્વનું રહયું. અમેરીકાએ આ માટે જે જે પગલા ભર્યા તેના ઉપરથી ભારતે બોધપાઠ લેવો જરૂરી છે.

બાયડન સરકારે કમાન સંભાળતાની સાથે જ ડેટા પારદર્શીતાની નીતિ અપનાવી અને મહામારીનું પ્રબંધન સંપુર્ણપણે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોને સોંપી દીધું હતું. પરંતુ પ્રશાસન સમયાંતરે વિશેષજ્ઞો સાથે મીટીંગો યોજી ઉંડી ચર્ચા-વિચારણા અને પરામર્શ કરી રહયું હતું.  પ્રશાસને ટીકાકરણ, સંક્રમણ અને મૃત્યુદરના ડેટા હાઇલાઇટ કરવાનું શરૂ કર્યુ જેને લઇને સાચી જાણકારી સાથે યોગ્ય નિર્ણય લઇ શકાય અને કયારે અને કયાં અનલોક કરવું તેનો નિર્ણય લઇ શકાય.

ભારતમાં ફેબ્રુઆરી-ર૦ર૧માં મૃત્યુદર પ્રતિદિન ૧૦૦થી પણ ઓછો હતો. માર્ચમાં સંક્રમણના બદલાયેલા ડેટાથી જાહેર હતુ કે જે દેશમાં રસીકરણ નથી થયું ત્યાં નવા મામલાઓ આ પ્રકારે વધવા તે બીજી લહેરની આગમચેતી હતી. આમ છતાં સંકેતોને નજર અંદાજ કરી ભારત દેશમાં જગ્યાએ જગ્યાએ ભીડો એકત્રીત થતી જોવા મળતી હતી. કોવીડ-૧૯ મહામારી પ્રબંધકની જવાબદારી જેના માથા પર હતી તેવા સાર્વજનીક નેતા, નોકરશાહી, સેલીબ્રીટી પોતાની જવાબદારી નીભાવવાના બદલે માત્ર જુમલેબાજી(મોટી મોટી વાતો) કરતા રહયા હતા. વૈજ્ઞાનીકો જે મહામારીના રોકથામ માટે અત્યંત મહત્વના હતા તેમને છેલ્લી હરોળમાં રાખવામાં આવ્યા હતા. ભારતના ગામડાઓમાં થઇ રહેલા મૃત્યુની સાચી સંખ્યા સામે આવતી ન હતી. જેને લઇને આવશ્યકતા મુજબ જરૂરી વ્યવસ્થા પહોંચાડી શકાતી ન હતી. તથ્યોને નજર અંદાજ કરવાનું આખરે પરીણામ ભારતે ભોગવવું પડયું. બીજી લહેરમાં કોરોનાએ મૃત્યુનું ભયંકર તાંડવ ખેલ્યું અને ભારત સરકાર મંજીરા વગાડતી રહી.

ખરેખર મહામારીને કાબુમાં લેવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રોના સંયુકત પ્રયાસો જ કામ આવે છે. બાઇડન પ્રશાસને સંધીય રણનીતી અપનાવતા પહેલા દિવસથી જ ડિફેન્સ પ્રોડકશન એકટ લાગુ કર્યો.

ખાનગી ક્ષેત્રોને વેકસીન અભિયાનમાં ગતી લાવવા નિર્દેશો આપવામાં આવ્યા. આવશ્યક વસ્તુઓ જેવી કે કાચની શીશીઓ અને સીરીન્જનું ઉત્પાદન ઝડપી બનાવવામાં આવ્યું. ર૦ર૦માં ટ્રમ્પ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવેલું 'ઓપરેશન વાર્પ સ્પીડ' થી પણ વેકસીન બનાવવાની ઝડપ વધી. રાજયોને પોતપોતાની વેકસીન નીતી બનાવવાની છુટ આપવામાં આવી. સંધીય સરકારે વૈજ્ઞાનીકો અને ખાનગી ક્ષેત્રો સાથે તાલમેલ બનાવી જથ્થાબંધ વેકસીનની ખરીદી કરી અને 'હાઇબ્રીડ લીડરશીપ'નું ઉદાહરણ પુરૂ પાડયું.

મહામારીને રોકવા માટે ર૦ર૦માં ભારતે લીધેલા ત્વરીત પગલાઓને ખુબ વખાણવામાં આવ્યા હતા તેના ઉપરથી જીત પાકી માની બેઠેલા ભારતના પ્રશાસને ન તો વેકસીન બનાવવા ઉપર રોકાણ કર્યુ કે ન ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારા ઉપર?  વેકસીન નિર્માતાઓને વેકસીન બનાવવા માટે મામુલી આર્થીક કે અનુબંધીય સહાયતા આપવામાં આવી હતી કોરોનાની બીજી લહેર સાથે વેકસીન ખરીદીની જવાબદારી રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશો ઉપર છોડવાના ફેંસલાને બદલાવી કેન્દ્ર સરકારે પોતે જ વેકસીન ખરીદી તમામ વયસ્કોને નિઃશુલ્ક રસી લગાવવાનો સાચો નિર્ણય લીધો હતો.

સંકટનો સામનો કરવા માટે અમેરીકી રણનીતી જણાવે છે કે તથ્યો અને પ્રમાણો ઉપર આધારીત નેતૃત્વના આંકડા વૈજ્ઞાનીકો અને વિશેષજ્ઞો કે સન્માન આપી, સમન્વય સાધી આપદા પ્રબંધન માટે આર્થીક મદદ પુરી પાડી દેશનું ભાગ્ય બદલાવી શકાય છે.  અમેરીકી નીતી મુજબ જાણે-અજાણ્યે કેટલાક પગલાઓ લેવાયા હશે હજુ પણ ભારત સરકારે સંપુર્ણ પણે અમેરીકી રણનીતી અપનાવવી જરૂરી છે. વૈજ્ઞાનીકો અને વિશેષજ્ઞોને શકિત અને સંશાધાન પુરા પાડી આંતરારષ્ટ્રીય ધોરણે આગળ વધવા ગ્રાઉન્ડ પુરૂ પાડવું અતિ આવશ્યક છે.

(3:45 pm IST)