Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

વેકસીન ખલ્લાસ... રસીકરણ કેન્દ્રમાં ધમાલ મચીઃ પોલીસ દોડી

૩૨ આરોગ્ય કેન્દ્રમાં આજે કોવિશીલ્ડ રસી લેવા લોકો ઉમટયા પણ ડોઝ ખલાસ થઈ ગયાઃ અમીન માર્ગ સિવીક સેન્ટરમાં લોકોના ટોળાએ ધમાલ મચાવતા પોલીસ બોલાવાઈઃ આજે પણ માત્ર ૬૦૦૦ ડોઝ જ આવ્યાઃ રસીકરણ માટે જરૂરી આયોજન નહીં થાય તો પરિસ્થિતિ સ્ફોટક બનશે

મ.ન.પા. દ્વારા આજથી કોવિશીલ્ડ વેકસીનના ડોઝ શરૂ કરતા આરોગ્ય કેન્દ્રોમાં લોકો ઉમટી પડયા હતા પરંતુ ડોઝ ખલાસ થઈ જતા અમીન માર્ગ, નંદનવન વગેરે આરોગ્ય કેન્દ્રોમાં લોકોએ ધમાલ મચાવી હતી તે વખતની તસ્વીરો (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ૩૦ : છેલ્લા અઠવાડિયાથી વેકિસનની અછત સર્જાઇ છે ત્યારે રસીકરણ કેન્દ્રો પર ધમાલ - માથાકુટના દ્રશ્યો રોજિંદા બન્યા છે પરંતુ આજે કોવિશીલ્ડ રસી અપાશે તેવી જાહેરાત ગઇ સાંજે થતાં આજે અમીન માર્ગ, નંદનવન, શ્યામનગર, ચાણકય સ્કુલ સહિતના કેન્દ્રો પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જેના કારણે જબરી અવ્યવસ્થા સર્જાઇ હતી.

અમીનમાર્ગ સિવિક સેન્ટરે સવારથી જ લોકોની લાઇનો લાગી હતી પરંતુ લોકોની સંખ્યા સામે ડોઝ ખૂટી પડતા લોકોના ટોળાએ જબરી ધમાલ મચાવી હતી. આથી આ સ્થળે પોલીસ બોલાવી પડી હતી.

દરમિયાન આ સમગ્ર ધમાલ અંગે

મ્યુ. કમિશનર અમિત અરોરાને જાણ થતાં તેઓએ તુરંત જ આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા ડે.કમિશનર આશિષકુમારને જ્યાં-જ્યાં રસી મુકવા બાબતે માથાકુટ થઇ રહી છે ત્યાં રૂબરૂ જઇને તપાસ કરવા આદેશો અપાયા હતા.

માથાકુટના કારણો

રસીકરણ કેન્દ્રો પર માથાકુટ થવાના કારણો મુખ્યત્વે સવારથી લાઇનમાં ઉભા રહી ગયા હોઇ, ટોકન લીધા હોવા છતાં વેકસીન આપવામાં ન આવી, રજીસ્ટ્રેશનવાળાને જ રસી મૂકાશે તેવો ઓચિંતો નિયમ સ્થળ પર જાહેર કરી અને સ્પોટ રજીસ્ટ્રેશન વાળા લોકોને ના પાડવી.

આમ, રસી મુકવાના નિયમોમાં દર કલાકે નિયમો ફેરવી નાંખવામાં આવતા હોઇ લોકોમાં આ મુદ્દે જબરો રોષ ફેલાયો છે અને રસીકરણનું વ્યવસ્થિત આયોજન કરવા માંગ ઉઠાવી રહ્યા છે.

(3:20 pm IST)