Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

બંગાળમાં ચૂંટણી બાદની હિંસાની 15000 જેટલી ઘટનાના રિપોર્ટ બાદ પગલાં લેવાશે : કેન્દ્રનું વચન

ગૃહ મંત્રાલય રિપોર્ટનો અભ્યાસ કરશે અને તેની ભલામણોના અમલનો પ્રયાસ કરશે

નવી દિલ્હી : કેન્દ્રસરકારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસાની ૧૫,૦૦૦ જેટલી ઘટનામાં હકીકત શોધતી ટીમના રિપોર્ટ પર પગલા લેવાનું વચન આપ્યું છે. આ ઘટનામાં ૨૫ લોકો મોતને ભેટ્યા છે અને ૭,૦૦૦થી વધુ મહિલાઓની છેડતી થઇ છે. રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી જી કિશન રેડ્ડીના જણાવ્યાનુસાર, સિવિલ સોસાયટી ગ્રૂપ કોલ ફોર જસ્ટિસ કે જેના વડા સિક્કિમ હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ (નિવૃત્ત) પ્રમોદ કોહલી છે તેમણે કહ્યું છે કે હિંસા પછીની ઘટનાઓમાં અનેક ગામડાઓ ભોગ બન્યા છે.

તેમાં ઉમેરાયું છે કે 'આ એક સ્પષ્ટ સંકેત છે કે મોટાભાગની ઘટનાઓ અચાનક બની નથી, તે પૂર્વ આયોજિત છે, સંગછિત અને કાવતરાને આધારિત છે.' પાંચ સભ્યોની ટીમમાં બે નિવૃત્ત આઇએએસ અધિકારી અને એક આઇપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. રેડ્ડીએ કહ્યું હતું કે 'ગૃહ મંત્રાલય રિપોર્ટનો અભ્યાસ કરશે અને તેની ભલામણોના અમલનો પ્રયાસ કરશે.' પાંચ સભ્યોની ટીમે પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી અને આ ટીમ અનેક લોકોને મળી હતી તે પછી આ રિપોર્ટ તૈયાર કરાયો છે. રિપોર્ટને ટાંકતા રેડ્ડીએ કહ્યું હતું કે રાજ્યના ૧૬ જિલ્લાને ચૂંટણી પછીની હિંસાની અસર થઇ છે. તેમણે ઉમેર્યું હતું કે 'રિપોર્ટમાં કહેવાયું છે કે ચૂંટણી પછીની હિંસાને કારણે ઘણાં લોકોએ પશ્ચિમ બંગાળમાં તેમના ઘરોને છોડી દીધા છે અને આસામ, ઝારખંડ અને ઓડિશામાં શરણું લીધું છે.'

રિપોર્ટના જણાવ્યાનુસાર. કેટલાક હાર્ડકોર ક્રિમિનલ્સ, માફિયા ડોન્સ અને ક્રિમિનલ ગેંગ્સોએ હુમલા કર્યા હતા. તેમણે ચૂંટણી પહેલા કે પછીની હિંસાને અંજામ આપ્યો છે. રાજકીય હરીફોનું મોઢું બંધ રાખવા તેમણે આ કૃત્યો કર્યા છે.

(1:55 pm IST)