Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

૧લી જુલાઇથી વેકસીન ખરીદીના નિયમો બદલાશે

હવે ડાયરેકટ વેકસીન ખરીદી નહિ શકે ખાનગી હોસ્પિટલો : સ્ટોક લીમીટ નક્કી

કોવિન પર મૂકવો પડશે ઓર્ડર : સરકાર ડોઝનો જથ્થો નક્કી કરશે

નવી દિલ્હી તા. ૩૦ : ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચારો અનુસાર, મુંબઇની હોસ્પિટલોમાં મંગળવારે એક એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર ડોકયુમેન્ટ આવ્યો છે જેના અનુસાર ખાનગી હોસ્પિટલોમાં ગયા મહિને કોઇ ખાસ સપ્તાહમાં રોજની સરેરાશ જેટલી રસીની ખપત થઇ હશે તેનાથી બમણા ડોઝ જ મળશે. જો કે ખાનગી હોસ્પિટલોને રસી માટેની રોજિંદી સરેરાશ કાઢવા માટે પોતાની પસંદગીનું સપ્તાહ નક્કી કરવાની છૂટ રહેશે. આના માટેની માહિતી કોવિન પોર્ટલ પરથી લેવામાં આવશે.

દાખલા તરીકે, જો કોઇ ખાનગી રસીકરણ કેન્દ્ર જૂન ૧૦-૧૬ના સપ્તાહની પસંદગી કરીને જુલાઇ માટે ઓર્ડર આપે, જે દરમિયાન ૬૩૦ ડોઝ અપાયા હતા તો એ હોસ્પિટલની દૈનિક સરેરાશ ૯૦ ડોઝની થાય. તો આ હોસ્પિટલ જુલાઇ માટે વધુમાં વધુ ૫૪૦૦ ડોઝ (૯૦*૩૦*૨ =૫૪૦૦)નો ઓર્ડર આપી શકે છે. ડોકયુમેન્ટમાં કહેવાયું છે કે પહેલા ૧૫ દિવસ દરમિયાન રસીની ખપતના આધાર પર એક મહિનાની મહત્તમ લીમીટને બીજા પખવાડિયામાં સુધારી શકાય છે.

આ ઉપરાંત એ હોસ્પિટલો જે હવે રસીકરણ અભિયાનમાં સામેલ થવાની યોજના બનાવી રહી છે અને જેમની પાસે રસીની ખપતનો કોઇ રેકોર્ડ નથી, તેમના માટે ડોઝની મહત્તમ મર્યાદા ત્યાં ઉપલબ્ધ બેડની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે. ૫૦ બેડવાળી હોસ્પિટલ વધુમાં વધુ ૩૦૦૦ અને ૩૦૦ બેડની હોસ્પિટલ ૧૦,૦૦૦ ડોઝ સુધીનો ઓર્ડર આપી શકશે. એસઓપી ડોકયુમેન્ટમાં કહેવાયું છે કે ખાનગી રસીકરણ કેન્દ્ર એક મહિનામાં ચાર હપ્તામાં ઓર્ડર આપી શકે છે.

(11:03 am IST)