Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સિંહોની વસ્તી ૭૦૦ની ઉપર

ગુજરાત માટે ગૌરવની બાબત સંખ્યા ૬ થી ૮ ટકા વધી : 'પૂનમ અવલોકન'માં વસ્તી વધારો નોંધાયો : સંખ્યા ૭૧૦ થી ૭૩૦ની હોઇ શકે છે વસ્તી વૃધ્ધિ મુખ્યત્વે અભ્યારણ્યોના બહારના વિસ્તારમાં નોંધાઇ ૨૦૨૦માં ૬૭૪ની સંખ્યા હતી

નવી દિલ્હી તા. ૩૦ : આ વર્ષે ગુજરાતમાં સિંહની સંખ્યામાં ૬થી ૮ ટકાનો વધારો થતાં વસ્તી ૭૦૦ને પાર પહોંચી ગઈ છે, તેમ રાજયના વન વિભાગના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું. આ વધારો 'પૂનમ અવલોકન'માં નોંધવામાં આવ્યો હતો. કોવિડ-૧૯ મહામારીના કારણે સિંહ ગણતરી ૨૦૨૦ની જગ્યાએ આ વર્ષના જૂન મહિનામાં પ્રથમ વખત આ કવાયત હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિંહની વસ્તી ૭૧૦થી ૭૩૦ની વચ્ચે હોઈ શકે છે. અધિકારીઓએ કહ્યું હતું કે, ગણતરીની કવાયતને વાર્ષિક બનાવવામાં આવશે, જેથી દર પાંચ વર્ષના બદલે દર વર્ષે સંખ્યા પ્રકાશિત કરવામાં આવે.

૨૦૨૦ના પૂનમ અવલોકનમાં સિંહ લેન્ડસ્કેપમાં ૨૦૧૯ની સરખામણીમાં ૨૮.૯ ટકાના વધારા સાથે ૬૭૪ જેટલી સિંહની સંખ્યા નોંધાઈ હતી. વિકાસ દર ૨૦૧૫માં ૨૦૧૦ની સરખામણીમાં ૨૭ ટકા હતો. ૨૦૧૫માં સિંહની સંખ્યા ૫૨૩ હતી. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો એક અહેવાલ જણાવે છે.

'અમે હજી પણ ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ', તેમ ગાંધીનગરમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. 'જો કે, પ્રારંભિક સંકેત એ છે કે સિંહની વસ્તી નિશ્ચિત રીતે ૭૦૦નો આંકડો પાર કરી ચૂકી છે, જે સંરક્ષણ માટે આરોગ્યપ્રદ સંકેત છે.'

અધિકારીઓએ કહ્યું હતું કે, ૨૦૨૦ની ગણતરીમાં પુખ્ત વયના સિંહ અને પુખ્ત વયની સિંહણનું પ્રમાણ ૧:૧.૬૧ હતું, જયારે પુખ્ય વયની સિંહણો અને બાળસિંહનું પ્રમાણ ૧:૦.૫૩ હતું. આ પ્રમાણમાં ધરખમ ફેરફાર થયો નથી.

અધિકારીઓએ ઉમેર્યું હતું કે, સ્તનપાન કરાવતી સિંહણની (એક વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા બાળસિંહ સાથે પુખ્ત વયની સિંહણ) ગણતરી પણ હાથ ધરવામાં આવી હતી. આ ડેટાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જૂન ૨૦૨૦માં પુખ્ય વયની ૨૬૦ સિંહણમાંથી ૨૩ ટકા સ્તનપાન કરાવતી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૨૦૨૧માં થયેલી ગણતરીમાં તે બહાર આવ્યું છે કે, સિંહની સીમા ૩૦ હજાર સ્કવેર મીટરમાં ફેલાયેલી છે અને તેમણે એક વર્ષમાં કોઈ નવા ક્ષેત્ર સાથે જોડાણ કર્યું નથી. ૨૦૧૫માં સિંહનું વિતરણ આશરે ૨૨,૦૦૦ ચોરસ કિમી વિસ્તારથી વધીને ૨૦૨૦માં ૩૦ હજાર ચોરસ કિમી થઈ ગયું હતું.

ગાંધીનગરના અધિકારીઓએ કહ્યું હતું કે, સિંહની સંખ્યા ગીર, મીતયાળા, ગીરનાર અને પાણીયા અભ્યારણ્યમાં સરખી છે. વસ્તી વૃદ્ઘિ મુખ્યત્વે અભ્યારણ્યોના બહારના ક્ષેત્રમાં થઈ રહી છે.

(10:58 am IST)