Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

યુરોપનો એવો પ્રથમ દેશ

ઇટાલીમાં નાગરિકોને માસ્ક ન પહેરવાની મળી છૂટ

એક સમયે યુરોપમાં કોરોના વાયરસનો ગઢ બની ચૂકેલા ઇટાલીથી ગુડ ન્યુઝ સામે આવી રહ્યા છે

નવી દિલ્હી,તા. ૩૦: એક સમયે યુરોપમાં કોરોના વાયરસનો ગઢ બની ચૂકેલા ઇટાલીથી ગુડ ન્યૂઝ સામે આવી રહ્યાં છે. ઇટાલી યુરોપનો એવો પ્રથમ દેશ બની ગયો છે, જયાંના નાગરિકોને માસ્ક પહેરવાથી છૂટ મળી છે. ઇટાલીએ પોતાના ૨૦ રાજયોને લો કોરોના રિસ્કની શ્રેણીમાં મૂકયાં છે. ઇટાલીમાં હવે કોરોના વાયરસના માત્ર ૫૪૬૮૨ કેસ વધ્યાં છે અને એક સમયે યુરોપમાં ઇટાલીમાં સૌથી વધુ કોરોનાને લીધે તબાહી થઇ હતી. યુરોપમાં બ્રિટન બાદ ત્યાં સૌથી વધુ લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું હતું.

ઇટાલીમાં કુલ મળીને કોરોના વાયરસથી અત્યાર સુધી ૪૨.૫૮ લાખ કેસ સામે આવ્યા છે, જેમાંથી ૪૦.૭૬ લાખથી વધુ લોકો સ્વસ્થ થઇ ગયા છે, પરંતુ ૧.૨૭ લાખથી વધુ લોકોના મોત નિપજયાં હતાં. કોરોના વિરુદ્ઘ લડાઇમાં ઇટાલીએ વેકિસનેશનને ઝડપી બનાવ્યું અને હવે ત્યાં સંક્રમણનો ખતરો ઓછો થયો છે. જેના લીધે સરકારે નાગરિકોને માસ્ક ન પહેરવાની છૂટ આપી છે.

ભારતમાં પણ વેકિસનેશન અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ ભારતની જનસંખ્યા ઇટાલીની સરખામણીએ અનેક ગણી વધુ છે. જેના લીધે ભારતમાં તમામ લોકોને વેકિસન આપવામાં થોડો સમય લાગી શકે છે.

ભારતમાં મંગળવારે સવાર સુધી ૩૨.૯૦ કરોડ લોકોને વેકિસન આપવામાં આવી છે, જે ઇટાલીની જનસંખ્યાથી ૫ ગણી વધુ છે. ઇટાલીની જનસંખ્યા લગભગ ૬.૦૩ કરોડ છે અને ભારતમાં ૫.૭૯ કરોડ લોકોને વેકિસનના બન્ને ડોઝ મળી ગયા છે. જયારે ૨૭.૧૧ કરોડ લોકોને વેકિસનનો પ્રથમ ડોઝ મળ્યો છે.

(10:04 am IST)