Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોરોના મટયા પછી દર્દીઓમાં બ્લેક ફંગસ બાદ હવે CMVનો ખતરો? દિલ્હીમાં જોવા મળ્યા કેસ

કોરોનાના કારણે નબળી પડેલી ઈમ્યુન સિસ્ટમ પર હવે સાઈટોમેગાલો વાયરસ કરી રહ્યો છે હુમલોઃ દર્દીઓને બ્લિડિંગ થવા લાગે છે : સારવાર માટે આવેલા ૫ દર્દીઓમાંથી એકનું મોતઃ બેને એન્ટીવાયરલ થેરેપી અપાઈ : એકસપર્ટનું કહેવું છે કે ઈમ્યુન સિસ્ટમ નબળી પડવાથી આ સંક્રમણ લાગુ પડે છે

નવી દિલ્હીઃ ઘણાં દર્દીઓમાં કોરોના મટ્યા પછી પણ પોસ્ટ કોવિડ ઈફેકટ જોવા મળે છે જેના કારણે દર્દીને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેમાં બ્લેક ફંગસ સૌથી વધારે ખતરનાક માનવામાં આવે છે પરંતુ હવે સાઈટોમેગાલો વાયરસ (CMV)નું પણ સંક્રમણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે દર્દીઓને ઝાડાની સાથે બ્લીડિંગ થઈ રહ્યું છે. આવા દર્દીઓના પાંચ કેસ ગંગારામ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે, જેમાં એકનું મોત થઈ ગયું છે. એકની સર્જરી કરવામાં આવી અને ત્રણની એન્ટીવાયરલ થેરેપીની મદદથી સારવાર કરવામાં આવી. દેશમાં પહેલીવાર પોસ્ટ કોવિડ દર્દીઓમાં સંક્રમણ જોવા મળી રહ્યું છે.

આ તકલીફના લીધે ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે તો ઘણાં આવા સંક્રમણ થવાનો ખતરો વધી જાય છે, જે સામાન્ય રીતે જોવા નથી મળતા. ગંગારામ હોસ્પિટલના ગેસ્ટ્રોઈન્ટ્રોલોજી વિભાગના ચેરમેન ડોકટર અનિલ અરોરા કહે છે કે ઘણાં એવા વાયરસ છે કે જે શરીરમાં હોય છે કે વાતાવરણમાં રહે છે, પરંતુ તેની અસર નથી થતી કારણ કે શરીરમાં ઈમ્યુન ક્ષમતા રોકવામાં સફળ રહી છે. આ બીમારી તેમન થાય છે જેમની ઈમ્યુનિટી નબળી હોય છે. હાલમાં કોરોનાના કારણે લોકોની ઈમ્યુનિટી નબળી પડી છે અને આવા દર્દીઓ જે પોસ્ટ કોવિડની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેમને આ બીમારીનો ખતરો વધુ છે.

ડોકટર અરોરાએ કહ્યું કે પોસ્ટ કોવિડવાળા આવા પાંચ દર્દીઓ ઈલાજ માટે ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા. કોઈ પણ દર્દીનું ટ્રાન્સપ્લાન્ટ નથી થયું, કેન્સર કે એઈડ્સ જેવી બીમારી નહોતી કે તેમની ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય. પરંતુ આ પછી પણ તેમને સીએમવીનું સંક્રમણ થઈ ગયું, કારણ કે આ તમામ પોસ્ટ કોવિડના સમયમાંથી પસાર થયા હતા. તેમણે કહ્યું કે દેશમાં ૮૦થી ૯૦ પર્સેન્ટ લોકોમાં આ વાયરસ શરીરમાં હશે, પરંતુ નુકસાન નથી પહોંચાડતો. પરંતુ હવે લોકો જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેમને આ સંક્રમણ પણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આ પહેલા ખબર નહોતી કે મળ ત્યાગના માર્ગમાં સંક્રમણનું કારણ શું છે, હવે બાયોપ્સી કરાઈ તો આ દર્દીઓમાં સીએમવીનું સંક્રમણ મળ્યું.

ડોકટર અરોરા કહે છે કે પોસ્ટ કોવિડ બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ અને વ્હાઈટ ફંગસ વિશે લોકોમાં જાગૃતિ આવી રહી છે, પરંતુ સીએમવી વિશે હજુ નથી જાણતા. માટે કોઈ દર્દીમાં આ પ્રકારે બ્લીડિંગની સમસ્યા હોય તેની તાત્કાલિક હોસ્પિટલ લઈને આવવી જોઈએ. તેની સંપૂર્ણ સારવાર શકય છે, એન્ટીવાયરલ થેરેપી છે. તેમણે કહ્યું કે ૫ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, જેમની ઉંમર ૩૦ થી ૭૦ વર્ષની વચ્ચે હતી.

પાંચમાંથી ચારને મળ ત્યાગમાં બ્લિડિંગ થતું હતું અને એકને આંતરડામાં અટકી જવાની તકલીફ હતી, જેમાંથી બે દર્દીઓને ઘણું બ્લિડિંગ થઈ રહ્યું હતું, આવામાં ઈમર્જન્સી સર્જરી કરવી પડી અને એક દર્દીનું પોસ્ટ કોવિડના લીધે મૃત્યુ થઈ ગયું. બાકી ત્રણનો એન્ટીવાયરલ થેરેપીથી સારવાર કરવામાં આવી અને સાજા થઈ ગયા.

આ અંગે પેથોલોજિસ્ટ ડોકટર સુનીલા જૈને કહ્યું કે તેની પુષ્ટિ માટે પીસીઆર ટેસ્ટ અને મોટા આંતરડાની બાયોપ્સી કરવામાં આવી, જેની પુષ્ટિ કરાઈ. જયારે ડોકટર પ્રવીણ શર્માએ કહ્યું કે આ પ્રકારના કેસમાં શરુઆતમાં સારવાર પ્રભાવી એન્ટીવાયરલ થેરાપીથી થઈ શકે છે અને જીવ બચાવી શકાય છે.

(10:02 am IST)