Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ગજબ ! પાકિસ્તાનમાં પત્નીઓ વચ્ચે બબાલ થઇ તો, દુબઇ રહેતા તેમના પતિઓ વચ્ચે પણ ખૂની લડાઇ

દુબઇના ઢોર બજારમાં કામ કરતા પાકિસ્તાની નાગરિકે એના સાથી કર્મચારી પર માંસ કાપવાના ચાકૂથી ઘાતક હુમલો કરી દીધો હતો

દુબઇ તા. ૩૦ : દુબઇમાં રહેતાં બે પાકિસ્તાની નાગરિકોની લડાઇનો બહુ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. દુબઇના ઢોર બજારમાં કામ કરતાં બંને પાકિસ્તાની પરસ્પર ગંભીર રીતે લડી પડ્યા હતા, જેના લીધે તેમને જેલમાં જવાનો વારો આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, બંનેની પત્નીઓ પાકિસ્તાનમાં રહે છે અને ત્યાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીઓેનો આ ઝઘડો છેક દુબઇ પહોંચ્યો જેમાં તેઓના પતિઓ ઝઘડી પડ્યા હતા.

દુબઇની એક કોર્ટ મુજબ, અહીંના ઢોર બજારમાં કામ કરી રહેલા પાકિસ્તાની નાગરિકે એના સાથી કર્મચારી પર માંસ કાપવાના ચાકૂથી જીવલેણ હુમલો કરી દીધો હતો, જેના કારણે પીડિત ૧૦ ટકા વિકલાંગ બની ગયો હતો. હુમલાવરના અન્ય એક સાથીએ પણ પીડિત પર હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો. પીડિતનું કહેવુ હતું કે બંને પાકિસ્તાની નાગરિકોએ તેને અભદ્ર શબ્દો કહીને હુમલો કર્યો હતો. આ ઝઘડાનું મૂળ પાકિસ્તાનમાં રહેતી તેમની પત્નીઓ વચ્ચેનો ઝઘડો હતો.

ઝઘડા દરમિયાન દુબઇમાં જ સાથે રહેતો પીડિતનો ભાઇ જયારે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેનો ભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતો. આરોપીઓએ તેની પર પણ હુમલો કરી દીધો હતો. મેડિકલ રિપોર્ટ મુજબ પીડિતનો હાથ તૂટી ગયો હતો અને માથામાં ગંભીર ઇજા થઇ હતી. દુબઇની કોર્ટમાં આરોપીઓને શારિરીક હુમલાના દોષી જાહેર કરાયા હતા. તેમને સજા આપવા માટે આવતાં મહિને નિર્ણય કરવામાં આવશે.

(10:02 am IST)