Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

નેધરલેન્ડનો ૨૫ ટકા ભાગ સમુદ્ર તળથી નીચે : રિપોર્ટ

હવે પાણીમાં તરતા ઘર બનાવી દીધા! : અડધો ભાગ સમુદ્ર સપાટીથી થોડા મીટર ઊંચો છે, આવી સ્થિતિમાં અહીં હંમેશા પૂર આવવાનું જોખમ રહે છે

નેધનરલેન્ડ,તા.૨૯ : દેશના ઘણા રાજ્યોમાં ચોમાસુ જમાવટ કરી રહ્યું છે. બિહારના કેટલાક વિસ્તારોમાં પૂર આવી ગયા છે. આગામી ૭૨ કલાક માટે હવામાન વિભાગને એલર્ટ જાહેર કરવું પડ્યું છે. દેશમાં દર વખતે આવી સ્થિતિ સર્જાય છે. કેટલાક રાજ્યોમાં પૂર ખૂબ તારાજી સર્જે છે. બીજી તરફ પૂર સામે લડવા માટે નેધરલેન્ડ દ્વારા ઉકેલ શોધી લેવાયો છે.

અત્યાર સુધી આ દેશ પણ પાણીની સમસ્યા સામે ઝઝૂમતો હતો, હવે દુનિયા આ દેશ પાસેથી વોટર મેનેજમેન્ટ શીખી રહી છે. આ દેશ પર પૂરનો ખતરો હંમેશા તલવારની જેમ લટકતો હતો. જેના ઉકેલ માટે પ્રયાસો ઘણા સમયથી થઇ રહ્યા હતા. જોકે, ૧૯૫૩ બાદ આ પ્રયત્નો વધુ ઝડપથી થવા લાગ્યા હતા. ૧૯૫૩માં વરસાદના પાણીમાં ૬૦૦ ચોરસ માઈલ જેટલો ભાગ પાણીમાં ડૂબી ગયો હતો.

જેના કારણે લગભગ ૨૦૦૦ લોકોના મોત નિપજ્યા હતા. અનેક લોકો બેઘર થઈ ગયા હતા. ત્યારબાદ ફ્લડ ડિફેન્સ સિસ્ટમ પર કામ કરવાની ઝડપ વધી હતી. પૂરનો ખતરો કઈ રીતે ઓછો થાય તે બાબતે વિજ્ઞાનિકો સાથે સામાન્ય લોકો પણ પ્રયાસ કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નેધરલેન્ડનો ૨૫ ટકા ભાગ સમુદ્ર તળથી નીચે છે.

આ ક્ષેત્રમાં દેશની ૨૦ ટકાથી વધુ વસ્તી વસે છે. આ દેશનો અડધો ભાગ સમુદ્ર સપાટીથી થોડા જ મીટર ઊંચો છે. આવી સ્થિતિમાં અહીં હંમેશા પૂર આવવાનું જોખમ રહે છે. તેને રોકવા માટે દેશમાં બીચ પર પાળીઓ બાંધવામાં આવી હતી. રોટરડેમ શહેરમાં સમુદ્ર પર વિશાળ દરવાજો છે. જે દરિયાના પાણીને રોકવાનું કામ કરે છે.

અહીં એકઠા થતા પાણીમાં વોટર સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે. નેધરલેન્ડની ડ્રેનેજ સિસ્ટમ ખૂબ સારી છે. જે ૧૭મી સદીમાં બનાવવામાં આવી હતી. આ ડ્રેનેજ સિસ્ટમની સતત જાળવણી થાય છે. આ ડ્રેનેજ સિસ્ટમની દેખરેખ પાલિકા કરે છે. જેથી તેના પર નજર રાખવામાં આવે અને તેનું સમારકામ કરી શકાય. ચોમાસાની ઋતુ પહેલા જ તેઓ સક્રિય થઈ જાય છે.

ડ્રેનેજની જાળવણી કરવાનું શરૂ કરે છે. શહેરમાં પાણી ભરાયા તો તેને દૂર કરવા માટે પમ્પિંગ સિસ્ટમ છે. પવનચક્કી જેવા દેખાતા આ પમ્પિંગ સિસ્ટમ્સ શહેરમાંથી પાણી ઉલેચી નદીઓ અને નહેરોમાં છોડી દે છે, જેથી ખેતી થઈ શકે. વરસાદ દરમિયાન દરિયાના મોજા તોફાની થઈ જાય છે. જેને નિયંત્રિત કરવા માટે નેધરલેન્ડમાં અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

અહીં વિશ્વનું સૌથી મોટું આર્ટિફિશિયલ મોજુ તૈયાર કરાયું હતું. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ મોજુ તૈયાર કરવાની આ પદ્ધતિને ડેલ્ટા ફ્યુમ કહેવામાં આવે છે. જેનો ઉપયોગ મસમોટા મોજાને કંટ્રોલ કરવા માટે થાય છે. હાઇડ્રોલિક ટેકનોલોજી આધારિત આ મશીન ૯૦ લાખ લીટર પાણીને એકત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. તોફાન પૂરું થાય એટલે આ પાણીનો ઉપયોગ ડેમના માધ્યમથી થાય છે.

ટેકનોલોજીના ઉપયોગની સાથે આ દેશની સરકાર લોકોને પણ પૂર કંટ્રોલના ઉપાય અજમાવવા અપીલ કરી રહી છે. પરિણામે અહીં દરેક ઘરની આજુબાજુ ઘણા વૃક્ષો અને છોડ છે. જે પૂર દરમિયાન જમીનની પાણી શોષી લેવાની ક્ષમતામાં વધારો કરે છે. આ સાથે નેધરલેન્ડ્સમાં તરતા મકાનો પણ બનાવવામાં આવ્યા છે.

તમને એમ્સ્ટરડેમથી લાગોસ સુધીના લાકડાના આ મકાનો જોવા મળશે. તરતા મકાનમાં બેઝ સિમેન્ટનો હોય છે. આવ મકાન પાણીમાં ડૂબે નહીં તે માટે અંદર સ્ટીરોફોમ ભરેલું રહે છે. આ ઉપરાંત પૂર આવે તેવી દહેશત ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને ઉપરની તરફ આવવાનો વિકલ્પ સરકાર આપે છે.

પરંતુ દેશનો અડધો ભાગ જ પૂર સામે સંવેદનશીલ છે અને સમુદ્ર સપાટીથી ઉપર વધુ વિકલ્પ નથી. તેથી લોકો જયાંના ત્યાં રહીને પૂરથી બચવાના પગલાં લે છે. નેધરલેન્ડની જેમાં પશ્ચિમના અન્ય દેશો પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. જાપાનમાં ટોક્યોના શોવા અને કાસૂકાબે, સાઈતામા વચ્ચે વિશ્વની સૌથી મોટી અંડરગ્રાઉન્ડ ફ્લડ વોટર ડાઈવર્જન ફેસીલીટી તૈયાર કરવામાં આવી છે.

 જેથી દર સેંકન્ડે આશરે ૨૦૦ ટન વજનવાળા પાણીનો નિકાલ શકાય છે. આવી જ રીતે લંડનમાં થેમ્સ નદી પર મીકેનિકલ બેરિયર બનેલું છે. જે શહેરને પૂરથી બચાવે છે.

(12:00 am IST)