Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનું વજન અચાનક ઘટી જવાનું કારણ અકબંધ?

દેશની જનતા જોઈને રડી રહી છે : ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના નિર્ણયો અને શરીરના વજનને લઈ હંમેશા લાઇમલાઇટમાં રહે છે

સિઓલ,તા.૨૯ : ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના નિર્ણયો અને શરીરના વજનને લઈ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. હવે કિમ જોંગ પોતાના ઘટતા વજનને કારણે ચર્ચામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં કિમનું વજન અચાનકથી ઘણું ઘટી ગયું છે. તેઓ દુબળા થઈ ગયા છે. કિમ જોંગની તબિયતને લઈ ઉત્તર કોરિયાના લોકો પરેશાન થઈ ગયા છે.

તમામ લોકો કિમ જોંગની જરૂર કરતાં વધારે ચિંતા કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, એક સ્થાનિક યુવકે જણાવ્યું કે કિમ જોંગ ઘણી દુબળા અને અશક્ત દેખાઈ રહ્યા હતા. તેમની આ હાલત જોઈને તમામ લોકોના દિલ તૂટી ગયા. અમારી આંખોમાં પાણી આવી ગયા. જોંગ ઉનના વજનને લઈ સૌથી પહેલી ચર્ચા જૂન મહિનાના પહેલા સપ્તાહમાં જ શરુ થઈ ગઈ હતી અને તેઓ લાંબા સમય બાદ સામે આવ્યા હતા.

તે સમયે જ એનકે ન્યૂઝના એક્સપર્ટે કહ્યું હતું કે કિમનું વજન ઘણું ઘટી ગયું છે. ત્યારથી તાનાશાહની તબિયતને લઈ અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે. કિમ જોંગ ઉનની નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૦ની તસવીરોની જ્યારે એપ્રિલ અને જૂન ૨૦૨૧ની તસવીરો સાથે તુલના કરવામાં આવી તો જાણવા મળ્યું કે તાનાશાહ પહેલા કરતા પતળા થઈ ગયા છે.

કિમની તસવીરોનું ઝીણવટપૂર્વક વિશ્લેષ કરનારા લોકોએ જણાવ્યું કે તેમની સ્વિસ વોચના સ્ટ્રેપની લંબાઈ બકલ સુધી પહોંચી ગઈ છે. તેનાથી જાણી શકાય છે કે કિમનું કાંડુ પહેલાથી પતળું થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે જો કિમે જાતે વજન ઘટાડ્યું છે તો આ સારી બાબત છે, પરંતુ કોઈ બીમારીના કારણે વજન ઘટ્યું છે તો તે ચિંતાનું કારણ છે.

 આ પહેલા, વિશેષજ્ઞોએ જણાવ્યું કે, કિમ જોંગ ઉનને હૃદયને લગતી કોઈ બીમારી છે. આવું એટલા માટે લાગે છે કારણ કે કિમ જોંગ ઉનના પરિવારને હૃદય સંબંધી બીમારીઓનો લાંબો ઈતિહાસ રહ્યો છે. નવેમ્બર ૨૦૨૦માં દક્ષિણ કોરિયન સાંસદોએ જાણકારી આપી હતી કે ઉત્તર કોરિયાના તાનાશાહનું વજન લગભગ ૧૪૦ કિલોગ્રામ છે. આ દરમિયાન કિમ જોંગ ઉન ૨૦ દિવસો માટે ગુમ થઈ ગયા હતા.

નોંધનીય છે કે, જ્યારે પણ કિમ જોંગ ઉન લોકોની વચ્ચેથી ગુમ થાય છે તો તેમના નિધનના ખોટા સમાચાર ઝડપથી ફેલાવા લાગે છે. કિમે પોતાની બહેન કિમ યો જોંગને ડેપ્યુટીનો રોલ આપ્યો છે. તેને લઈને પણ તમામ પ્રકારની અટકળો વહેતી થઈ હતી.

(12:00 am IST)