Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કોરોના મહામારીમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ દિવાળી સુધી ૮૦ કરોડ લોકોને મળશે : નરેન્દ્રભાઇ મોદીની જાહેરાત

રોગચાળાને ફેલાતો અટકાવવા માટે બેજવાબદાર રહેવાને બદલે નિયમોનું પાલન કરવા અપીલ : મહામારીથી બચવા લોકોને માસ્ક પહેરવા, બે મીટરનું અંતર રાખવા, ભીડ ભાડવાળી જગ્યાથી દુર રહેવા અપીલઃ વડાપ્રધાને લોકડાઉન-અનલોકની સ્થિતિમાં પાંચમી વખત લોકોને સંબોધન કર્યુ

રાજકોટ, તા., ૩૦: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કોરોના મહામારીની  સ્થિતિમાં લોકડાઉન અને અનલોકની સ્થિતિ વચ્ચે પાંચમી વખત લોકોને સંબોધન કર્યુ હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે લડતા-લડતા આપણે અનલોક-રમાં પ્રવેશ્યા છીએ. ત્યારે આવનારા દિવસોમાં આપણે ખુબ જ કાળજી રાખવી પડશે કારણ કે ચોમાસાની ઋતુ પણ શરૂ થઇ રહી છે. જેમાં શરદી, ઉધરસ, તાવ જેવા રોગચાળા વધે છે તેવી સ્થિતિમાં દેશવાસીઓ પોતાની તબીયત સાચવે તે જરૂરી છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું કે ભારત દેશ અનેક દેશોની સરખામણીમાં લોકડાઉન જેવા નિર્ણય તાત્કાલીક કરી દેતા મહામારીના સમયમાં અનેક લોકોના જીવ બચી ગયા છે.

અનલોક-૧માં સામાજીક અને વ્યકિતગત લાપરવાહી વધી છે જે દેશ માટે અને લોકો માટે જોખમકારક છે. ર મીટરનું અંતર ન રાખવુ, માસ્ક ન પહેરવુ, હાથ ન ધોવા સહિતની બાબતોમાં સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. આવી બાબતોમાં લાપરવાહી ચિંતાનું કારણ છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે લોકડાઉનમાં ગંભીરતાથી નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું. તેવી જ સતર્કતા હવેના સમયે પણ રાખવી જરૂરી છે. ખાસ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા લોકોએ પોતાની અને પોતાના આસપાસના લોકોની પરવાહ કરવી જોઇએ.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું કે લોકડાઉનની સ્થિતિમાં એક દેશના પ્રધાનમંત્રીને પણ ૧૩ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આવી રીતે કોઇની પણ શેહશરમ રાખ્યા વગર તંત્રએ લોકડાઉનના નિયમોનું સર્વ માટે સમાન રીતે પાલન કરાવવું જોઇએ. ગરીબના ઘરમાં ચુલો ન સળગે તેવી પરિસ્થિતી ન આવે તે જોવાનું કામ સૌનું છે. સમય ઉપર ફેંસલા લેવાથી કોઇ પણ સંકટનો સામનો કરી શકાય છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું કે કોરોના કાળમાં ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ર૦ કરોડ લોકોના જનધન ખાતામાં પૈસા જમા કરાવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ૦ હજાર કરોડ રૂપીયાનો ખર્ચ કરશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ જણાવ્યું કે અમેરીકા, બ્રીટન સહીતના દેશો કરતા આપણા દેશના લોકોને વધુ સહાય આપવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના આગામી નવેમ્બર મહિનાના અંત સુધી એટલે કે દિવાળી સુધી ચાલુ રાખવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત દર મહિને પાંચ મહિના સુધી લોકોને પ કિલો ઘઉ અથવા ચોખા તથા ચણા વિનામુલ્યે આપવામાં આવશે. ૮૦ કરોડ લોકોને આ યોજનાથી લાભ થશે અને આ માટે ૯૦ હજાર કરોડથી વધુનો ખર્ચ થશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આખા ભારતમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડની યોજના અમલમાં આવશે. જેના કારણે ગરીબ લોકોને વધુ ફાયદો થશે. ગરીબ જરૂરીયાતમંદોને અનાજ આપવાનો શ્રેય ખેડુતો અને નિયમીત ટેક્ષ ભરનાર ઇમાનદાર લોકોને જાય છે. આ માટે ગરીબોને મદદરૂપ થનાર ખેડુતો અને ટેક્ષ ભરનારાને હું અભિનંદન પાઠવું છું.

કોરોના મહામારી સમયે ગરીબ, પીડીત, વંચીતો અને અશકતો માટે નિરંતર કામ કરીશું અને આત્મનિર્ભર ભારત માટે રાત-દિવસ એક કરીશું. હળી-મળીને કામ કરવાથી આ મહામારી સામેનો જંગ આપણે જીતી જશું.

અંતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને માસ્ક પહેરવા, બે મીટરનું અંતર રાખવા તથા તંત્ર દ્વારા મળતી સુચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી.

(4:43 pm IST)
  • ગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુ સુપ્રીમ કોર્ટમાં બન્યા એડિશનલ સોલિસિટર જનરલ :સુપ્રીમ કોર્ટમાં આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચનારા ચોથા ગુજરાતી: અગાઉ કિરીટ રાવલ હરીન રાવલ અને તુષાર મહેતા પણ આ પોસ્ટ ઉપર પહોંચ્યા હતા access_time 11:28 pm IST

  • વસવાટ હોય તેવી સુપર-પૃથ્વીની શોધ : ૧૧ અબજ પ્રકાશ વર્ષ દુર આવેલ ''સુપર-પૃથ્વીઓ''ની વૈજ્ઞાનિકોએ શોધ કરી છે, જયાં વસવાટ હોવાની શકયતા access_time 3:53 pm IST

  • મોડી રાત્રે આંધ્ર પ્રદેશ - વિશાખાપટ્ટનમના પરવડા વિસ્તારની દવા કંપની સાઈનાર લાઈફ સાયન્સિઝમાં ગેસ લીક થતા 2 લોકોના મોત : 4ને હોસ્પિટલમાં ખસેડાયા : વિસ્તારમાં અફરાતફરી મચી : હાલાત હાલ નિયંત્રમણમાં : મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ કંપનીમાં ગેસ લીકેજને લઈને તપાસના આદેશ આપ્યા access_time 9:03 am IST