Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

હાથ અને શ્રવણ ક્ષમતા નથી, પરંતુ પગથી ચિત્ર દોરવામાં જબરો પારંગત છે આ કલાકાર

નવી દિલ્હી,તા.૩૦ : ભગવાન જયારે એક ઇન્દ્રિયની ખામી આપે ત્યારે બીજી ઇન્દ્રિયોની સતર્કતા અને ક્ષમતાઓ આપમેળે ખીલી ઊઠે છે. છત્તીસગઢના ભીલાઈ શહેરમાં રહેતા ગોકરણ પાટીલ નામના ભાઈ સાથે પણ કંઈક આવું જ થયું છે. ગોકરણને જન્મથી જ હાથ નથી. એટલું ઓછું હોય એમ શ્રવણ ક્ષમતા પણ નથી. એક તો બધિરપણું અને બીજી તરફ હાથ ન હોવાથી અનેક કામમાં પરાવલંબન સ્વીકારવું પડે એવી સ્થિતિ છતાં ગોકરણની અંદરના કલાકારને ખીલવામાં કોઈ અવરોધ નડ્યા નથી. ઇન ફેકટ, આ મુશ્કેલીઓને કારણે જ તેણે પોતાની અંદરની ક્ષમતાઓ પર એકાગ્રતા કેળવી લીધી છે અને પગથી પેઇન્ટિંગ કરવાની કળા શીખી લીધી છે. સખત મહેનત અને દૃઢ નિશ્ચય દ્વારા તેણે ચિત્રકળાને પોતાના સપનાને કેન્વા­સ પર ઉતારવાનું માધ્યમ બનાવી દીધું છે. ગોકરણની ખંત અતે ખૂબીઓને ઉજાગર કરતો વિડિયો એક આઇએએસ અધિકારી પ્રિયંકા શુકલાએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વિડિયોમાં ગોકરણનાં પેઇન્ટિંગ્સ બતાવવામાં આવ્યાં છે, એટલું જ નહીં, તે કેવી રીતે પગની આંગળીઓમાં પીંછી પકડીને એનું સર્જન કરે છે એ પણ દેખાડવામાં આવ્યું છે. પગના અંગૂઠા અને આંગળી વચ્ચે બ્રશ પકડીને એને વિવિધ રંગમાં બોળીને તે જે નજાકત અને કલાત્મકતાથી ચિત્ર દોરે છે એ અભિભૂત કરનારું છે. તેને પેઇન્ટિંગ દોરતાં જોવાનું પ્રેરણાદાયી છે.

(3:16 pm IST)