Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

બકરીને બચાવવા ભાઈ સાહેબ બોરવેલમાં ઘુસ્યા અને મિત્રોએ પગ પકડીને બન્નેને બહાર કાઢયાં

નવી દિલ્હી,તા.૩૦ : બોરવેલનું કાણું આમેય બહુ નાનું હોય છે અને એમાં જો કોઈ બાળક  કે બકરી પડી જાય તો તેને કાઢવાનું કામ જબરી જહેમત માગી લે છે. જોકે તાજેતરમાં એક માણસે પોતાની બકરીને કાઢવા માટે જે દેશી -જુગાડ વાપર્યો અને એમાં તેણે જાતે જીવનું જોખમ વહોરી લીધું હતું એનો વિડિયો વાઇરલ થયો છે. વિડિયોમાં સફેદ શર્ટ પહેરીને ઊભેલો એક માણસ ખાડાની અંદર જોઈને તેના મિત્રો સાથે કંઈક પ્લાનિંગ કરી રહ્યો છે. કદાચ તે બકરીને કાઢવાના પ્રયાસનું પ્લાનિંગ કરતો હોય એવું જણાય છે. થોડી જ ક્ષણમાં તે માથાભેર એ બોરવેલના ખાડામાં ઘૂસવાની કોશિશ કરે છે અને બીજા ત્રણ મિત્રો તેને પગથી ઝાલીને બોરવેલની અંદર ઉતારે છે. છેક અંદર સુધી ઊતર્યા પછી તેના મિત્રો અંદર ગયેલા માણસને પગથી બહાર ખેંચી લે છે. જયારે બહાર આવે છે ત્યારે પેલા યુવક સાથે તે કાનથી પકડીને બકરીને પણ ઉપર ખેંચી લાવ્યો હોય છે. આ સ્ટન્ટમાં બકરીનો જીવ તો બચી જાય છે, પણ જો એ સ્ટન્ટમાં સહેજ પણ ગરબડ થાત તો તેને બચાવવા જનાર યુવકના જીવ પર પણ જબરૂ જોખમ હતું એ જોઈ શકાય છે. આ વિડિયો ટિવટર પર શૈર કરીને કેપ્શનમાં લખ્યું છે, 'બકરીને દેશી સ્ટાઈલમાં રેસ્કયુ - કરનાર પૂરી ટીમને અભિનંદન.'

(3:16 pm IST)