Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

પત્ની સુહાગની નિશાની પહેરવાની ના પાડે તેનો અર્થ છે કે તેને લગ્ન મંજૂર નથી : હાઈકોર્ટ

ગુવાહાટી હાઈકોર્ટે એક વ્યક્તિની છૂટાછેડાની અરજી અંગે ફેમિલી કોર્ટના નિર્ણયને રદ કરતાં ચુકાદો આપ્યો

ગુવાહાટી: ગુવાહાટી હાઈકોર્ટે એક વ્યક્તિની છૂટાછેડાની અરજી અંગે ફેમિલી કોર્ટના નિર્ણયને રદ કરતાં આંચકાજનક ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે જો કોઈ મહિલા હિન્દુ રિવાજો સાથે લગ્ન કર્યા બાદ સિંદૂર અને બંગડીઓ પહેરવાનો ઇનકાર કરે તો તેનો સીધો અર્થ તેનો આ લગ્નથી ઇનકાર માનવામાં આવશે. હાઈકોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં પતિને તેની પત્ની સાથે પરણિત જીવન વિતાવવા દબાણ કરવું તે જુલમ ગણવામાં આવશે. અગાઉ ફેમિલી કોર્ટે તે વ્યક્તિની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું કે પત્નીએ પતિ સામે કોઈ ક્રૂરતા નથી કરી.

હકીકતમાં, અરજદાર પતિએ ફેમિલી કોર્ટમાં જણાવ્યું હતું કે તેના લગ્ન ફેબ્રુઆરી 2012માં થયા હતા. લગ્નના એક મહિના સુધી સંયુક્ત પરિવારમાં રહ્યા પછી મહિલાએ તેના પતિથી અલગ થવાની માંગ ઉઠાવી. તેમની વચ્ચે ઝઘડો થયો હતો. સંતાન ન હોવા માટે પત્નીએ પતિને દોષી ઠેરવ્યો હતો. વર્ષ 2013 માં, પત્ની સાસરૂ છોડીને ચાલી ગઈ. ત્યારબાદ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ કલમ 498 એ હેઠળ ક્રૂરતા આચરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ કેસમાં પતિ અને સબંધીઓ નિર્દોષ છુટી ગયા હતા.

મળતી માહિતી અનુસાર, મુખ્ય ન્યાયાધીશ અજય લાંબા અને ગુવાહાટી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સુમિત્રા સાઈકીયાની બેંચે આ અરજીની સુનાવણી કરી હતી. બેંચે જણાવ્યું હતું કે હિન્દુ લગ્નની પ્રથા હેઠળ જ્યારે કોઈ સ્ત્રી હિન્દુ રિવાજો અનુસાર લગ્ન કરે છે; તેના પછી 'શાખા અને સિંદૂર' પહેરવાનો ઇનકાર કરે તો તે બતાવે છે કે તેણી અપરિણીત નથી અથવા તો તેણીએ લગ્ન સ્વીકારવાની ના પાડી છે.

બેંચે કહ્યું, "પ્રતિવાદીનું આ પ્રકારનું સ્પષ્ટ વલણ તેના સ્પષ્ટ હેતુને દર્શાવે છે કે તે અપીલ કરનાર સાથે પોતાનું વૈવાહિક જીવન ચાલુ રાખવા તૈયાર નથી." આવા સંજોગોમાં અપીલ કરનાર પતિની પ્રતિવાદી પત્ની સાથે વૈવાહિક જીવન ચાલુ રહેવું એ આરોપી પત્ની દ્વારા અપીલ કરનાર અને તેના પરિવારના સભ્યોની પજવણી માનવામાં આવશે.'

પતિએ પત્નીની ક્રૂરતાને માધ્યમ બનાવી છૂટાછેડા માટે અરજી કરી હતી. ત્યારે, પત્નીએ સાસરિયાઓ પર દહેજ મામલે પજવણીનો આરોપ લગાવ્યો હતો. ફેમિલી કોર્ટે પતિની અરજી નામંજૂર કરી હતી ઉપરાંત હાઈકોર્ટે આ નિર્ણય રદ કર્યો.

(1:29 pm IST)