Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

દુકાનોને ૮ સુધીની તો રેસ્ટોરન્ટને ૯ સુધીની છૂટ

વેપાર - ધંધા દોડતા રહે એ બાબતે રૂપાણી સરકારનું મહત્વનું પગલુ : દુકાન ધારકોને ૧ કલાક તથા રેસ્ટોરન્ટ માલિકોને વધારાની ૨ કલાકની છુટ આપી : કર્ફયુમાં પણ ૧ કલાકની રાહત : હવે રાત્રે ૧૦થી વહેલી સવારના ૫ સુધીનો કર્ફયુ રહેશેઃ કાલથી અમલ

અમદાવાદ તા. ૩૦ : ગઇકાલે સાંજે કેન્દ્ર સરકારે અનલોક-૨ની જાહેરાત સાથે કેટલીક છુટછાટો આપ્યા બાદ ગુજરાત સરકારે પણ વેપાર - ધંધાને પ્રોત્સાહન મળે તે હેતુથી કેટલીક છૂટછાટો જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આવતીકાલથી દુકાને રાત્રે ૮ સુધી તો રેસ્ટોરન્ટ ૯ સુધી ખુલ્લા રહી શકશે. દુકાન ધારકોને ૧ કલાકની જ્યારે રેસ્ટોરન્ટ માલિકોને ૨ કલાકની વધુ છુટ આપવામાં આવી છે. કર્ફયુમાં પણ ૧ કલાકની રાહત આપવામાં આવી છે. હવે ૯ને બદલે રાત્રે ૧૦થી સવારે ૫ સુધી કર્ફયુ ચાલુ રહેશે.

૦૧ જુલાઈથી શરુ થઈ રહેલા અનલોક ૨ની કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સીએમ રુપાણીએ આવતીકાલથી દુકાનોને રાત્રે ૮ વાગ્યા સુધી ખૂલ્લી રાખવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત, રેસ્ટોરાં પણ રાત્રે ૯ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે, હાલ સાંજે ૭ વાગ્યા સુધી જ દુકાનો ખૂલ્લી રાખવાની પરવાનગી છે.

અનલોક ૨માં દુકાનો ખૂલ્લી રાખવાનો સમય ૧ કલાક વધારવામાં આવ્યો છે. જોકે, ભારત સરકારના નિર્દેશ અનુસાર, સમગ્ર ગુજરાતમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કરફયુનો અમલ ચાલુ રહેશે. ગુજરાત સરકાર આ અંગેની વિગતે ગાઈડલાઈન ટૂંક સમયમાં બહાર પાડે તેવી શકયતા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે કરાયેલી જાહેરાત અનુસાર, અનલોક ૨માં નવી છૂટછાટો સાથે કેટલાક નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા છે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં હવે સખ્તાઈથી લોકડાઉન લાગુ કરાશે.

જયારે તે સિવાયના વિસ્તારોમાં છૂટછાટ ચાલુ રહેશે. સરકાર દ્વારા બહાર પડાયેલી ગાઈડલાઈન ૩૧ જુલાઈ સુધી અમલમાં રહેવાની છે. અત્યારસુધી રાત્રી કરફયુ જે ૯ થી સવારે પાંચનો હતો તેને હવે રાત્રે ૧૦થી સવારના પાંચ વાગ્યા સુધીનો કરાયો છે.

આ સિવાય અનલોક ૨માં મર્યાદિત સંખ્યામાં ડોમેસ્ટિક એરલાઈન્સ અને પેસેન્જર ટ્રેન્સને પરવાનગી અપાઈ છે. જોકે, સ્કૂલો, કોલેજો તેમજ કોચિંગ કલાસ પરનો પ્રતિબંધ યથાવત રહ્યો છે. આ ઉપરાંત, જુલાઈનો આખો મહિનો આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ બંધ રહેશે. સરકારે જેમને મંજૂરી આપી હોય તેવા ખાસ કિસ્સામાં જ આંતરરાષ્ટ્રીય ફલાઈટને મંજૂરી અપાશે.

આજે સાંજે ચાર વાગ્યે પીએમ મોદી દેશને સંબોધિત કરવાના છે. જેમાં તેઓ અનલોક ૨ અંગેની પણ કેટલીક જાહેરાત કરે તેવી સંભાવના છે. છેલ્લે પીએમે ૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત વખતે દેશને સંબોધન કર્યું હતું.

(2:56 pm IST)