Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

સત્ય સ્વીકારો , કોરોના વાઇરસ બે વર્ષ સુધી નહીં જાયઃ ડો. ફહિમ યુનુસ

અમેરિકાની મેરિલેન્ડ યુનિવર્સિટીના ચેપી રોગ વિભાગના વડાની ચેતવણી

વોશિંગ્ટન,તા.૩૦: અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીની અપર ચેસાપીક હેલ્થ હોસ્પિટલના ચેપી રોગ વિભાગના વડા અને કોરોના દરદીઓની સારવાર કરનારા ડો. ફહિમ યુનુસે રોગચાળા અંગે ચેતવણી આપી છે. ફહિમે ટ્વીટ કરીને કોરોના વાઇરસ વિશે ઘણી માહિતી શૈર કરી છે. ચેપી-સંક્રમિત રોગના નિષ્ણાત ફહિમ યુનુસે ટ્વિટર પર લખ્યું છે, પ્રિય લોકો, સત્યનો સ્વીકાર કરો, ખોટી અપેક્ષાઓ કરતાં તે વધારે સારું છે. હું કોવિડ-૧૯ વિશે જોડાયેલી સત્યતાને શેર કરવાનો પ્રયત્ન કરું છું જેથી આપણે બધા એક યોજના બનાવી શકીએ અને એકબીજાને મદદ કરી શકીએ. ફહિમ યુનુસે કહ્યું કે તેનો હેતુ ફકત માનવજાતને મદદ કરવાનો છે અને તે પોતે લાઈક, રીટ્વીટ, વગેરેમાં કોઈ ખાસ રસ દાખવતા નથી. તેમણે લખ્યું છે કે કોવિડ સમાપ્ત થયા પછી તમે મને અહીં (ટ્વિટર પર) સક્રિય જોશો નહીં. ડોકટર ફહિમ યુનુસે આગામી ટ્વીટમાં લખ્યું કે કોરોના મહામારી ૨ વર્ષથી વધુ ચાલી શકે છે, છ મહિના પહેલાં જ પસાર થઈ ગયા છે. કોરોનાની રસીને હજી એક વર્ષે બાકી છે. તે રસી વિતરણ કરવામાં એક વર્ષનો સમય લેશે. હર્ડ ઇમ્યુનિટી - રોગપ્રતિકારક શકિત ઘણી દૂર છે. રોગચાળો ઝડપી પ્રસરી રહ્યો છે. તેની રફતાર વધી રહી છે. સૌથી વધારે સ્થિતિમાં ર વર્ષ જેટલો સમય લાગશે. આ હિસાબે યોજનાઓ બનાવવી જોઈએ.

(11:50 am IST)