Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

મુંબઇઃ માસ્ક પહેરો... અન્યથા રૂ.૧૦૦૦નો દંડ ભરો

મુંબઈ, તા.૩૦: કોરોનાને ફેલાતો અટકાવવા માટે અમલમાં મૂકેલા લોકડાઉનને તબક્કાવાર હળવો કરીને જનજીવન થાળે લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે નાગરિકો દ્વારા કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા જાહેર કરેલા પ્રતિબંધાત્મક ઉપાયનું ઉલ્લંઘન થતું હોવાનું જણાઈ આવ્યું છે. ખાસ કરીને લોકો માસ્ક પહેરતા ન હોવાનું જણાઈ આવતા પાલિકા પ્રશાસને એક સકર્યુલર બહાર પાડ્યો છે, જે મુજબ સાર્વજનિક સ્થળ સહિત ઓફિસમાં તથા ખાનગી વાહનો પ્રવાસ કરતા સમયે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. નિયમનું ઉલ્લંદ્યન કરનારા સામે ઈન્ડિયન પીનલ કોડ મુજબ દંડાત્મક કાર્યવાહી થશે, જેમાં એક હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. લોકડાઉનને શિથીલ કરવાની સાથે જ લોકો બેફિકર થઈ ગયા છે અને માસ્ક પહેરવાથી લઈને અનેક નિયમોનું પાલન કરતા ન હોવાનું જણાઈ આવ્યું છે. ખાસ કરીને મોઢાને ઢાંકવા માટે માસ્ક પહેરવું ફરજિયાત હોવા છતાં લોકો પહેરતા નથી. તેથી સાર્વજનિક સ્થળ, પ્રવાસ કરતા સમયે તેમ જ ખાનગી વાહનમાં પ્રવાસ કરતા સમયે માસ્ક પહેરવુંં ફરજિયાત હોઈ આ આદેશનું ઉલ્લંઘન કરનારા પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવા સહિત ઈન્ડિય પીનલ કોડ મુજબ પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે.

કોરોનાને ફેલાતો અટકાવવા માટે માસ્ક પહેરવું અને એકબીજાથી અંતર સુરક્ષિત અંતર રાખવાથી જોખમ ઓછું થતું હોવાનુ અભ્યાસમાં જણાઈ આવ્યું છે. તેથી રાજય સરકારે તે માટે આદેશ બહાર પાડ્યો છે, જે મુજબ રસ્તા, ઓફિસ, દુકાન, બજાર, દવાખાના તથા હોસ્પિટલ જેવા સાર્વજનિક સ્થળે જતા સમયે નાગરિકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. ઓફિસમાં તથા ખાનગી વાહનમાં પ્રવાસ કરતા સમયે પણ માસ્ક પહેરવું આવશ્યક છે. સાર્વજનિક ટ્રાન્સપોર્ટમાં પણ પ્રવાસ કરતા સમયે માસ્ક આવશ્યક છે. લોકો માસ્ક પહેરતા ન હોવાથી પાલિકાએ ઈન્ડિય પીનલ કોડ મુજબ પગલાં લેવાનો નિર્ણય લીધો છે.

(10:11 am IST)