Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કેરળ બાદ હવે તેલંગાણામાં પ્રાણીઓ સાથે ક્રુરતા : વાંદરાને ફાંસી પર લટકાવી હત્યા

અન્ય વાનરોને ભગાડવા ક્રુરતાભર્યું કૃત્ય : વિડિઓ વાયરલ : આરોપીઓએ ગુનો કબુલ્યો

 

કેરળના પલક્કડ જિલ્લામાં કેટલાક લોકો દ્વારા ફટાકડા ખવડાવીને હાથણીના મોત બાદ હવે તેલંગાનામાં પશુઓ પર ક્રુરતાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં ત્રણ લોકો વાંદરાને લટકાવીને મારી નાખતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, વીડિયો તેલંગાણાના ખમ્મમ જિલ્લાનો છે.

ઘટના 26 જુલાઇના રોજ વેમસુર ગામમાં બની હતી. વન વિભાગના અધિકારીઓ કહે છે કે લોકો કથિત રૂપે અન્ય વાંદરાઓને ભગાડવા માટે કામ કરી રહ્યા હતા. સથુપલ્લી ફોરેસ્ટ રેન્જના અધિકારીએ વેંકટેશ્વરલુએ જણાવ્યું હતું કે આરોપીઓએ ગુનો કબૂલ્યો છે અને તેમની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વાનરનો દોરડેથી લટકતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આક્રોશનું વાતાવરણ સર્જાયું હતું. લોકો વીડિયો શેર કરી રહ્યાં છે અને તપાસની માંગ કરી રહ્યા છે. વન અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીએ એક વાંદરાને પકડ્યો હતો અને તેને લટકાવીને અન્ય વાંદરાઓને ભગાડવા માંગતો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સથુપલ્લી અને નજીકના વિસ્તારોમાં લોકો વાંદરાઓના આતંકથી પરેશાન હતા, જેના કારણે કેટલાક લોકોએ પ્રકારનું પગલું ભર્યું હતું. પહેલા 27 મેના રોજ કેરળના પલક્કડમાં ખોરાકની શોધમાં રહેલી સગર્ભા હાથણીને કેટલાક લોકોએ ફટાકડા વડે ખવડાવ્યા હતા, જેના કારણે તેના મોમાં વિસ્ફોટ થયો હતો અને પછી તેણીનું મોત નીપજ્યું હતું.

(10:58 pm IST)