Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

ચીન ફરીવાર પાકિસ્તાનને બચાવી લેવા મેદાનમાં રહ્યું

પાક પર આંતરરાષ્ટ્રીય સમુદાય વિશ્વાસ કરે : ત્રાસવાદીઓ સામેની લડાઈમાં પાકિસ્તાને હંમેશા સારા અને અસરકારક પગલાંઓ લીધા છે : ચીનની પ્રતિક્રિયા

નવી દિલ્હી,તા. ૩૦ : એફએટીએફની ગ્રે લિસ્ટમાં પાકિસ્તાનને મુકી દેવામાં આવ્યા બાદ ફરી એકવાર ચીન પાકિસ્તાનની મદદમાં આગળ આવ્યું છે. હાફીઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓ પર કાર્યવાહી કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહેતા તેને ફાઈનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ દ્વારા ગ્રે લિસ્ટમાં મુકી દેવામાં આવ્યું છે. ચીને હંમેશાની જેમ જ પાકિસ્તાનની મદદ કરીને ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. ભારતથી બિલકુલ અલગ પ્રતિક્રિયા આપતા ચીને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયની પાકિસ્તાન પર વિશ્વાસ કરવાની જરૂર છે. ત્રાસવાદીઓની સામે પગલાં લેવા બદલ પાકિસ્તાનની ચીને પ્રશંસા પણ કરી છે. ચીને કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદીઓ સામે લડાઈમાં ખૂબ પ્રયાસ કર્યા છે. બલિદાન પણ આપ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી પાકિસ્તાનના આ પ્રયાસોને પૂર્ણ મહત્વ આપવું જોઈએ. બુધવારના દિવસે ૩૭ સભ્ય દેશોના એફએટીએફ દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મકુી દેવામાં આવ્યા બાદ પાકિસ્તાન મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ગ્રે લિસ્ટમાં સામેલ થનાર પાકિસ્તાન નવમાં દેશ તરીકે છે. પેરિસ સ્થિત આ સંસ્થાનું કહેવું છે કે ત્રાસવાદી ફન્ડીંગ અને મની લોન્ડરીંગ રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું છે. આના પરિણામ સ્વરૂપે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા દુનિયાની નાણાકીય વ્યવસ્થાને ખતરામાં મુકશે. આતંકવાદી ફન્ડીંગના મામલામાં પાકિસ્તાન ફસાઈ ગયું છે.

(7:57 pm IST)