Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

અરબી સમુદ્રમાં ચક્રવાતથી મુંબઇમાં વરસાદનો નવો સ્પેલઃ અનેક સ્થળે પાણી ભરાયા

મુંબઇ, તા., ૩૦:  અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતને કારણે ગઇકાલ સાંજથી મુંબઇમાં વરસાદનો નવો સ્પેલ શરૂ થયો છે. દેશની આર્થિક રાજધાની સમા મુંબઇમાં ભારે વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ પાંચ દિવસે કાલથી નવો વરસાદ શરૂ થયો છે. અગાઉ ત્રણ વ્યકિતનો ભોગ લેવાયો હતો.

ભારતીય હવામાન ખાતાએ ઉત્તરપુર્વી અરબ સમુદ્ર એટલે કે  ઉત્તર ગુજરાતના કાંઠાળ વિસ્તારમાં અને મહારાષ્ટ્રના દક્ષિણ દરીયા કાંઠે ચક્રવાતના કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સાથોસાથ પશ્ચિમ કાંઠાળ વિસ્તારમાં પણ વરસાદની શકયતા છે.

ગઇકાલે હવામાન ખાતાએ આજે ભારે વરસાદની આગાહી કરી હતી. ગ્રેટર મુંબઇની કેટલીક જગ્યાઓએ વરસાદનું જોર વધુ રહેશે. થાણે, પાલઘર અને રાયગઢના વિસ્તારોમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગયા અઠવાડીયાના અંતમાં ભારે વરસાદે મુંબઇ અને થાણે જીલ્લાને ધમરોળ્યું હતું. ગત સોમવાર સુધી વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એન્ટોપભીલ અને વડાલા જમીન ધસી જવાના કારણે ૧પ કારોને નુકશાન થયું હતું. કાટમાળમાં અમુક વાહનો દબાઇ ગયા હતા. રવિવારે સાંજે મેટ્રો સિનેમા નજીક ઝાડ પડવાને કારણે બે લોકોના દબાઇ જવાથી મોત થયા હતા. ૧૩ વર્ષનો છોકરો માર્યો ગયો હતો અને તેના વાલી ગંભીર રીતે ઘવાયા હતા જયારે વાડોલ વિલેજમાં એક ઘર તુટી પડયું હતું. બીજા બનાવમાં ૬પ ફુટ લાંબી કમ્પાઉન્ડ વોલ થાણેમાં પડવાથી ગઇકાલે બે કાર અને અન્ય વાહન દબાયા હતા.

(3:36 pm IST)