Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

સુધારેલ રીટર્નમાં પણ કલેઈમ માંગી શકાય

ઈન્કમટેક્ષ રીટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ સમયસર રીટર્ન ન ભરનારને ૧૦૦૦નો દંડ, ૩૧ ડીસેમ્બર પછી રીટર્ન ભરનારને ૧૦,૦૦૦ દંડ, ઓડીટ કરાવતા વેપારીઓ માટે ૩૦ સપ્ટેમ્બર

નવી દિલ્હી, તા. ૩૦ :. જો તમે ઈન્કમટેક્ષ રીટર્ન ભરવામાં કોઈ ભૂલ કરી હોય અને તમને ઈન્કમ ટેક્ષ વિભાગ તરફથી નોટીસ મળી હોય તો પણ આવક વેરા વિભાગ તમને સુધારેલા રીટર્ન પર કલેઈમ આપવાની ના નહી પાડી શકે. આવકવેરા કાયદાની કલમ ૧૩૯(૫) હેઠળ વિભાગ તરફથી નોટીસ મળ્યા પછી પણ કરદાતાને સુધારેલ રીટર્ન ભરવાનો અધિકાર છે.

કાયદો શું છે ?

આવકવેરાની કલમ ૫૪ હેઠળ સુધારેલ રીટર્નમાં પણ કલેઈમ માગી શકાય છે પણ શરત એ છે કે કલમ ૫૪ની બધી પરિસ્થિતિઓનું પાલન થયું હોય.

સુધારેલ રીટર્ન પછી જો કંઈ ટેક્ષ ભરવાનો થતો હોય તો કલમ ૨૩૪ સી અને ૨૩૪ બી (એડવાન્સ ટેક્ષ ન ભર્યો હોય ત્યારે લાગે છે) હેઠળ રીટર્ન ભરતા પહેલા વ્યાજ ચુકવવું પડશે.

નાની મોટી ભૂલો સુધારવાની તક

ઘણીવાર રીટર્ન ભરતી વખતે નાની મોટી ભૂલો થઈ જાય છે. ઉપરાંત જો ટેક્ષમાં છૂટનો દાવો ન કર્યો હોય તો પણ સેકશન ૧૩૯ (૫) હેઠળ સુધારેલ રીટર્ન જમા કરી શકાય છે. સુધારેલ રીટર્ન ભરવા માટે ૧૫ આંકડાનો રસીદ નંબર અને ઓરીજીનલ રીટર્ન ફાઈલ કર્યાની તારીખ જરૂરી છે. જો એકથી વધુ વાર સુધારેલ રીટર્ન ભરવાનું થાય  તો   બધા  રીટર્નની   રસીદ  નંબર જરૂરી છે.

જો રીટર્ન સમય મર્યાદામાં ભરેલ હોય તો જ સુધારેલ રીટર્ન ભરવાનો લાભ લઈ શકાશે. હાલમાં સુધારેલ રીટર્ન ભરવા માટે ૧ વર્ષ અથવા તે નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીનો સમય મળે છે.

ધ્યાનમાં લેવા જેવી બાબતો

- હંમેશા લેવડ-દેવડની સાચી જાણકારી જ આપો કારણ કે તમારા પાન અને આધાર નંબર દ્વારા તેની માહિતી પહેલાથી જ આઈટી વિભાગ પાસે હોય છે.

- નિયમીત - અનિયમીત આવકના બધા સ્ત્રોતની સચોટ માહિતી આપો.

- આવક વેરા વિભાગમાં પોતાના બેંક ખાતા અને સરનામાની માહિતી હંમેશા અપડેટ રાખવી.

- છેલ્લી તારીખની રાહ ન જુઓ, તેમા ભૂલ અને મોડું થવાથી દંડ થવાની શકયતા છે.

(11:33 am IST)