Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સોમવારથી પ્રિ-મોન્સુન એકિટવીટીનો માહોલ

૧ જૂન સુધીમાં કેરળમાં ચોમાસુ બેસી જશે : ૨૪ થી ૪૮ કલાકમાં લોપ્રેશર બનશે જે ઉત્તરોઉત્તર મજબૂત બનતુ જશે : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ૨ જૂનથી તાપમાન ઘટશે, પણ બફારો વધશે : પવનનું જોર પણ યથાવત રહેશે : વાદળછાયુ વાતાવરણ જોવા મળશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૩૦ : આગામી સોમવારથી એક સપ્તાહ પ્રિ-મોન્સુન એકટીવીટીનો માહોલ જોવા મળશે. ગરમીમાં ઘટાડો થશે પણ બફારાનો અનુભવ થશે. આવતા સપ્તાહમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે તો પવનનું જોર પણ યથાવત રહેશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે ઓમાન અને લાગુ યેમેનના કિનારા નજીક અરબી સમુદ્રમાં ડિપ્રેશન છે જે ભારતને અસરકર્તા નથી. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગઈકાલે દક્ષિણ અરબી સમુદ્રમાં પહોંચી ગયુ હતું. (માલદીવ, કોમરીનના થોડા ભાગો અને દક્ષિણ બંગાળની ખાડીના થોડા ભાગો) ગઈકાલ સાંજે ચોમાસુરેખા અરબી સમુદ્રમાં ૭ ડિગ્રી નોર્થમાંથી પસાર થઈ ૭૦ ઈસ્ટ સુધી પસાર થાય છે. ત્યાંથી ૬ ડિગ્રી નોર્થ અને ૭૯ ઈસ્ટ, ૮ ડિગ્રી નોર્થ અને ૮૬ ઈસ્ટ, ૧૧ અને ૯૦ ઈસ્ટ, ૧૪ નોર્થ, ૯૩ ઈસ્ટ, ૧૬ ડિગ્રી નોર્થ, ૯૫ ઈસ્ટ. હાલમાં કેરળના પશ્ચિમે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં એક અપર એર સાયકલોનીક સરકયુલેશન ૮.૮ કિ.મી.ના લેવલ સુધી છે. આ અપરએર સાયકલોનીક સરકયુલેશનને જેટીડબલ્યુસી ૯૩એ તરીકે મોનીટર કરે છે. જે હાલ ૧૦ ડિગ્રી નોર્થ અને ૯૨ ઈસ્ટ ઉપર છે. આ અપરએર સાયકલોનીક સરકયુલેશન ૧ જૂન સુધીમાં લોપ્રેશર બની જશે અને ઉત્તરોઉત્તર મજબૂત બની મુખ્યત્વે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. તા.૩ જૂન સુધીમાં આ સિસ્ટમ્સ મહારાષ્ટ્રથી પશ્ચિમે અને સૌરાષ્ટ્રથી દક્ષિણ તરફ મધ્ય અરબી સમુદ્રમાં પહોંચશે.

ત્યારબાદ આ સિસ્ટમ્સના ટ્રેક બાબતે જીએફએસ અને યુરોપિયન મોડલ વચ્ચે બહુ મોટો તફાવત છે. આગળની સિસ્ટમ્સનો ટ્રેક સોમવારે આપવામાં આવશે.

અશોકભાઈએ વધુમાં જણાવેલ કે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં તા.૧ થી ૬ જૂન દરમિયાન પ્રિ-મોન્સુન એકટીવીટીનો માહોલ જોવા મળશે. વરસાદની માત્રા અંગે સોમવારે જાહેર કરાશે. તા.૨ જૂનથી તાપમાનમાં ઘટાડો આવશે પણ બફારો વધશે. ૨ જૂન સુધી પવનનું જોર યથાવત રહેશે. સપ્તાહ દરમિયાન છુટાછવાયા વાદળોનું પ્રમાણ પણ જોવા મળશે.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ દક્ષિણ પાકિસ્તાનને લાગુ અરબી સમુદ્ર સુધી ફેલાયેલ છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિધિવત રીતે ૧ જૂન સુધીમાં કેરળમાં બેસી જશે.

(3:11 pm IST)