Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

શુક્રવારે ભારતમાં છાયા ચંદ્રગ્રહણનો અવકાશી નજારો

ચંદ્રગ્રહણ નરી આંખે જોઇ શકાય છે : રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક માહિતી આપશે : આશરે ૩ કલાક ૧૮ મિનિટનો અવકાશી નજારો : આ વર્ષનું બીજુ અને ર૧ મી જુને ત્રીજું સૂર્યગ્રહણ : છાયા ચંદ્રગ્રહણ ખગોળીય ઘટના, ભારતમાં વૈધાદિ નિયમો પાળવા-ન પાળવા તૂત ચાલે છે - ગ્રહણ સ઼બંધી ફળકથનો નર્યો બકવાસ :

રાજકોટ :  સમગ્ર ભારત સહિત વિશ્વના અમુક દેશો, પ્રદેશોમાં શુક્રવાર તા. પ મી જુન રાત્રિના છાયા ચંદ્રગ્રહણનો અદ્ભૂત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં આશરે ૩ કલાક ૧૮ મિનિટનો અવકાશી નજારો જોવા મળશે. ટેલીસ્કોપ, દૂરબીન, વિજ્ઞાન ઉપકરણથી છાયા ચંદ્રગ્રહણની ગતિવિધિ વધુ સારી રીતે જોઇ શકાય છે. નરી આંખે છાયા ગ્રહણ જોઇ શકાય છે. સોશ્યલ ડિસ્ટન્સને ધ્યાને રાખી ખગોળરસિકો સાથે છાયા-માદ્ય ચંદ્રગ્રહણ આહલાદક જોવા મળશે. રાજયમાં ગ્રહણ નિદર્શન સાથે સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કાર્યક્રમો ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી પસંદગીના શહેરોમાં યોજશે. ગ્રહણની માહિતી ઘરે-ઘરે પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સવંત ર૦૭૬ જયેષ્ઠ સુદ પુનમ વૃશ્ચિક રાશિ, જયેષ્ઠા નક્ષત્રમાં થનારૃં છાયા-માંદ્ય ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, એશિયા, યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકાનો પૂર્વ ભાગ, દક્ષિણ એટલાંટિક મહાસાગર, હિંદી મહાસાગર અને પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં દેખાશે.

ભારતીય સમય મુજબ ભૂમંડલે શુક્રવા રાત્રીના ગ્રહણ સ્પર્શ : ર૩ કલાક ૧૩ મિનીટ ૦૯ સેકન્ડ, ગ્રહણ મધયઃ ૦૦ કલાક પ૪ મિનિટ ૪૦ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૦ર કલાક ૩૬ મિનિટ, ૧૬ સેકન્ડ, ગ્રહણ ગ્રાસમાન : ૦.પ૬૮૩.

વર્તમાન પરિસ્થિતિ ધ્યાને રાખી, સોશ્યલ ડિસ્ટન્સ, આરોગ્ય સંબંધી કાળજી રાખી રાજયમાં માહિતીપ્રદ પસંદગીના સ્થળો, શહેર, ગામમાં ગ્રહણ સમયે ચા-નાસ્તાનું આયોજન કરી હાજર મિત્રમંડળને ચંદ્રગ્રહણના વિવિધ પ્રકારો, તેમાં છાયા ગ્રહણમાં તેજસ્વીતામાં ફેરફાર, પડછાયાની કરામત ઉપર સમજણ આપવામાં આવશે. અત્યારે દેશભરમાં જાથાએ અવકાશ તરફ નજર કરતાં થાય તે અભિયાન આદર્યુ છે. ખગોળ વિજ્ઞાનમાં વધુમાં વધુ રસ કેળવે તે મુખય હેતુ છે. ગ્રહો કે ગ્રહણો માત્ર ને માત્ર ખગોળીય ઘટના છે. યુતિ સંબંધી જાણકારી આપવામાં આવશે. જાગૃતોને ટેલીસ્કોપ, દૂરબીનથી ગ્રહણનો નજારો જોવાનો લાભ મળશે. વૈજ્ઞાનિકો મિજાજ કેળવવાનો કાર્યક્રમ છે. અવકાશી કોઇપણ ઘટનાને માનવજીવ સાથે કશી જ લેવાદેવા નથી. ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી બકવાસ-તૂત જોવા મળે છે. અવકાશી ઘટના જોવા-માણવા, સંશોધનો માટે તે સંબંધી માહિતગાર કરવામાં આવશે.

જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, વાજડી વિરડાના દિનેશ હુંબલ, કુંકાવાવના રાજુભાઇ યાદવ, નિકાવાના ભોજાભાઇ ટોયટા, જસદણના અરવિંદ પટેલ, વિનુભાઇ લોદરીયા, મોરબીના રૂચિર કારીઆ, ગૌરવ કારીઆ, ભુજના શૈલેષ શાહ, અંજારના એસ.એમ. બાવા, મંથલના હુસેનભાઇ ખલીફા, સુરતના મગનભાઇ પટેલ, વલસાડના કાર્તિક બાવીશી, નિર્ભય જોશી, તુષાર રાવ, હરેશ ભટ્ટ અનેન કાર્યકરો પોતાના વિસ્તારમાં કાર્યક્રમ ગોઠવવા સંબંધી વ્યવસ્થા કરી રહ્યા છે.

રાજયમાં આ કાર્યક્રમ જાથાએ પસંદગીના સદસ્યો માટે જ રાખવામાં આવેલો છે. ર૧ મી જુનની સૂર્યગ્રહણના કાર્યક્રમની તૈયારી ચાલી રહી હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(2:38 pm IST)