Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કાલે રવિવારે દેશભરમાં ૧૦ લાખ ઘરોમાં ઓનલાઈન ગાયત્રી યજ્ઞ

અગ્નિમાં ઔષધીય જડીબુટ્ટી હોમવાથી વ્યકિતમાં રોગપ્રતિકારક શકિત વધે છે : વાતાવરણ શુદ્ધ થાય : બેકટેરીયા નાશ પામે છે : રાજકોટમાં અંદાજે ૫ હજાર અને મોડાસામાં અઢી હજાર ઘરમાં થશે હવન : પંડિતો મોબાઈલમાં હવન કરાવશે

રાજકોટ, તા. ૩૦ :  આગામી ૩૧મીના રવિવારે સવારે ૯ થી ૧૨ દેશભરમાં ૧૦ લાખ ઘરોમાં ઓનલાઈન ગાયત્રી યજ્ઞ થનાર છે. પંડિતો દ્વારા મોબાઈલથી મંત્રોચ્ચાર કરાશે. સૌ પોતપોતાના ઘરે પોતાની જાતે જ હવન કરશે. તો રાજકોટ શહેરમાં અંદાજે પાંચ હજાર ઘરોમાં તો મોડાસાના વિવિધ ગામોમાં અઢી હજાર ઘરોમાં હવન કરી આહુતિ આપવામાં આવશે. એક જ દિવસમાં દેશભરમાં લાખો લોકો આ હવનનો લાભ લેનાર છે. હાલની સ્વાસ્થ્ય સુરક્ષાની વિકટ પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વમાં ચિંતાગ્રસ્ત વાતાવરણ બનતું જાય છે. આવા સમયમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર ગાયત્રી મંત્ર અને યજ્ઞ દ્વારા આધ્યાત્મિક ઉર્જાથી આત્મબળમાં વૃદ્ઘિ થાય છે. વૈજ્ઞાનિક રીતે અગ્નિમાં ઔષધીય જડીબુટ્ટીઓ હોમવાથી વ્યકિતમાં રોગ પ્રતિકારક શકિત વધે છે. આસપાસના વાતાવરણમાં વાયુ શુદ્ઘિકરણ થાય છે. રોગોના જીવાણુઓ નાશ પામે છે.

મોટી ઈસરોલઃ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા જણાવાયાનુસાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ,હરિદ્વાર દ્વારા હંમેશા ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અને ઉપાસના માટે અભિયાન ચાલી રહેલ છે. ગાયત્રી જયંતી-ગંગા દશેરાના આગળના દિવસે ૩૧ મે, રવિવારે હાલની કોરોના રુપી વૈશ્વિક આપદાના નિવારણ અને એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરવા સમગ્ર વિશ્વમાં એક સાથે કરોડો લોકો દ્વારા પોતાના ઘેર સ્વયં યજ્ઞ પ્રયોગ કરવા યોજના બનાવવામાં આવી છે.

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોડાસા શહેર તેમજ આસપાસના ગામોમાં પણ ૩૧ મે રવિવારે ૨૫૦૦ (બે હજાર પાંચસો) ઘરોમાં એક સાથે ગાયત્રી યજ્ઞ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ૮૦ પ્રકારની ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા તૈયાર કરેલ હવન સામગ્રી પહોંચાડી તેમના દ્યેર જાતે જ યજ્ઞ કર્મકાંડ કરવા સરળ પદ્ઘતિ ઓનલાઈન સંપર્કમાં રહી અલગ અલગ ત્રણ પ્રકારના યજ્ઞ માટે માર્ગદર્શન આપવામાં આવેલ છે. જેમાં મોબાઈલમાં પણ મોબાઈલ પંડિત લીંક ખોલીને પણ તેની સાથે પણ યજ્ઞ કરી શકાશે. આ સમગ્ર ઘરોમાં હાલની સ્વાસ્થ્યની વિકટ પરિસ્થિતિમાં નિયમો અનુસાર સૌની સ્વાસ્થ્યની સુરક્ષા જળવાઈ રહે તે રીતે પોતાના દ્યેર જાતે જ યજ્ઞ કરવા યોજના બનાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારશ્રીના આયુષ વિભાગ દ્વારા પણ પ્રમાણિત કરવામાં આવ્યું છે કે યજ્ઞ આહુતિ દ્વારા પણ રોગોના વાયરસના નાશ તથા વાતાવરણને સેનેટાઈઝ કરવામાં સહાયક બની રહે છે. શાંતિકુંજ,હરિદ્વારના દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયમાં પણ યજ્ઞ ચિકિત્સા પર અલગ ડિપાર્ટમેન્ટમાં વૈજ્ઞાનિકો દ્વારા સતત સંશોધન કાર્યરત છે. યજ્ઞમાં ભાવ સંવેદનાથી થતાં મંત્રોચ્ચાર સાથે હોમવામાં આવતી ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા પણ માનવ શરીરમાં આત્મબળ તેમજ રોગપ્રતિકારક શકિતમાં વૃદ્ઘિ થાય છે. જે સંદર્ભે યજ્ઞના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વને ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આંદોલન રુપે સમગ્ર વિશ્વસ્તરે જન જાગૃતિ માટે ૩૧ મે ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે ૩૧ મે,રવિવારે મોડાસા તેમજ આસપાસના ગામોમાં ૨૫૦૦ ઘરોમાં અંદાજે દશ હજાર વ્યકિતઓ દ્વારા ૨૪ ગાયત્રી મહામંત્ર અને ૫ મહામૃત્યુંજય મંત્ર બોલી હવનમાં આહુતિ અપાશે. આ રીતે સમગ્ર અરવલ્લી જીલ્લા, ગુજરાત ,ભારતભરમાં તેમજ વિશ્વભરમાં અંદાજે સો જેટલાં દેશોમાં એક જ દિવસે કરોડો લોકો દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવશે.

(2:36 pm IST)