Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

લોકડાઉને નાના દુકાનદારોની માઠી કરીઃ ૭ લાખ દુકાનો બંધ થવાના આરે

કોવિડ-૧૯ મહામારીએ નાના વેપારીઓને 'ધંધે' લગાડી દીધાઃ નાના વેપારીઓ સમક્ષ રોકડની મહાતંગીઃ અનેક દુકાનદારો દુકાનો બંધ કરી ગામડે ચાલ્યા ગયાઃ નાના દુકાનદારોને ૭ થી ૨૧ દિવસની અપાતી ક્રેડીટ પણ ડીસ્ટ્રીબ્યુટરોએ બંધ કરીઃ અધુરામાં પુરૂ ડિમાન્ડ ઘટતા દુકાનના ભાડા ચડી ગયા

નવી દિલ્હી, તા. ૩૦ :. ટોચની કન્ઝયુમર ગુડ કંપનીઓએ જણાવ્યુ છે કે લોકડાઉન દરમિયાન ૬ લાખથી વધુ નાના સ્ટોર્સ એટલે કે કરીયાણાની નાની દુકાનોને તાળા લાગી ગયા છે. આ નાના વેપારીઓ કે દુકાનદારો પાસે નાણાકીય તંગી મોઢુ ફાડીને ઉભી હતી એટલુ જ નહિ દુકાનોના કેટલાક માલિકો પોતાના ગામડે ચાલ્યા ગયા છે. આ બધી દુકાનો હવે કદી ખુલે તેવી શકયતા નથી.

હેન્ડસેટ સેકટરમાં પણ માઠી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ઓલ ઈન્ડીયા રીટેલર્સ એસોસીએશન દ્વારા અંદાજ મુકવામાં આવ્યો છે કે સ્માર્ટ ફોન વેચતા દોઢ લાખ સ્ટોર્સમાંથી ૬૦ ટકા સ્ટોર્સ બંધ થઈ જાય તેવી સંભાવના છે. આ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાના આઉટલેટની મુશ્કેલી વધી છે કારણ કે ડીસ્ટ્રીબ્યુટરો રોકડનો આગ્રહ રાખી રહ્યા છે અને અગાઉની જેમ ૭ થી ૨૧ દિવસની ક્રેડીટ આપતા નથી. આ ઉદ્યોગને શંકા છે કે આ રીતે દુકાનો બંધ થશે તો બજારમાં રીકવરી મોડી આવશે.  પાર્લે પ્રોડકટસના જણાવ્યા પ્રમાણે ૫૮ લાખ જેટલા કરીયાણાના સ્ટોર્સ કે જે ચા, પાન વેચી રહ્યા છે અને આ આઉટલેટસ આપણા ઘરો અને રસ્તાની કોર્નરે કાર્યરત છે તે બધામાંથી ૧૦ ટકા જેટલા આવા આઉટલેટસ એપ્રિલ અને મેમાં શટડાઉન થઈ ગયા છે. પાર્લે કેટેગરીના હેડ ક્રિષ્ના રાવ કહે છે કે આ આઉટલેટ થકી ડીસ્ટ્રીબ્યુટરોએ પૈસા ગુમાવ્યા છે. તેમના કહેવા મુજબ આ બધા આઉટલેટસ કાયમ બંધ થઈ ગયા છે. એટલુ જ નહિ ૪૨ લાખ જેટલી કરીયાણાની મોટી દુકાનોમાંથી ૧ થી ૨ ટકાને તાળા લાગી ગયા છે કારણ કે માલિકો ગામડે ચાલ્યા ગયા છે અને ૫ થી ૬ મહિના સુધી આવવાના નથી. આમાથી કદાચ ફરી ખુલે તેવી શકયતા છે. જો કે કોરોનાની સ્થિતિને જોઈને આવી દુકાનો ખુલશે.

ભારતમાં ૧૦થી ૧૨ મીલીયન જેટલા નાના રીટેલ આઉટલેટ છે જે ગ્રોસરી અને અન્ય ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડસ વેચી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એફએમસીજી ઉદ્યોગના ગ્રોથ રેટમાં ૩૪ ટકાનો ઘટાડો થયો છે. નાની દુકાનોનું વેચાણ ૩૮ ટકા ઘટી ગયુ છે.

રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસીએશનના વિરેન શાહ જણાવે છે કે દુકાનદારો મુસાફરી માટે લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકતા નથી, મોટાભાગના કરીયાણાના સ્ટોર્સ ઉપર ભાડુ ચડી ગયુ છે. આવા સંજોગોમાં તેઓ દુકાનો બંધ કરી દેશે. એટલુ જ નહિ અમુક દુકાનોને શ્રમિકોની સમસ્યા પણ નડી રહી છે.

(10:52 am IST)