Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

હવે રૂપાણી સરકાર જાહેર કરશે આર્થિક પેકેજ

ગુજરાતનાં અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા રૂ.૫૦૦૦ કરોડથી વધુનું હશે આર્થિક પેકેજઃ વેપાર-ઉદ્યોગ-કૃષિ સહિતના સેકટરને થશે લાભઃ રિયલ એસ્ટેટ-MSME તથા સર્વિસ સેકટરને આવરી લેવાશે

નવી દિલ્હી, તા.૩૦: કોવિડ-૧૯ના કારણે મંદ પડેલા રાજયના અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા ગુજરાત સરકારે મોટું રાહત પેકેજ જાહેર કરવાની યોજના ઘડી છે. જે કેન્દ્ર સરકારના 'આત્મનિર્ભર પેકેજ'ના મોડલ પર આધારિત હશે. એક અઠવાડિયામાં આ પેકેજ જાહેર થઈ શકે છે. પેકેજ બે ભાગમાં વહેંચાયેલું હશે- સીધા આર્થિક લાભ અને સુધારાને આધારિત લાભ.

પૂર્વ કેંદ્રીય ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાના વડપણ હેઠળ નિષ્ણાત સલાહકાર સમિતિની રચના કરાઈ છે. આ સમિતિના રિપોર્ટ પ્રમાણે, મોટી સંખ્યામાં રોજગારનું સર્જન કરતાં સેકટરને વેગ આપવા માટે સરકાર વિચારણા કરી રહી છે. તે મુજબ, કૃષિ, MSME, સર્વિસ સેકટર, રિયલ એસ્ટેટ અને નાના ઉદ્યોગોને પેકેજ દ્વારા મોટી મદદ મળશે. સમિતિએ સોંપેલો રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ મુખ્યમંત્રીએ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે પેકેજના સબળા પાસા ચર્ચવા માટે બેઠક કરી હતી. જે અંગેની જાહેરાત ટૂંક સમયમાં જ થશે. તેમ ટાઇમસ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

પેકેજના ડ્રાફ્ટિંગ સાથે જોડાયેલા એક ગુપ્ત સૂત્રના જણાવ્યા અનુસાર, 'અઢિયા કમિટીના રિપોર્ટના આધારે રાજય સરકાર એક અઠવાડિયાની અંદર મોટું આર્થિક પેકેજ જાહેર કરવાની તૈયારીમાં છે. કૃષિ અને સહકારી, ઉદ્યોગો અને ખાણ, શહેરી વિકાસ, પંચાયત અને ગ્રામ્ય વિકાસ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, શ્રમ અને રોજગાર સહિતના વિભાગોને ઉદ્યોગો, વેપાર, કૃષિ સહિતના અર્થતંત્રના તમામ સેકટરોને સીધા અને સુધારા આધારિત લાભ આપવા માટે તૈયારી કરવાનું કહ્યું છે.'

સૂત્રએ આગળ જણાવ્યું, 'વિવિધ ઉદ્યોગો અને વેપારને ડાયરેકટર ઈન્ટરેસ્ટ સબ્સિડી અને ટેકસ કન્સેશન અપાશે. સાથે જ ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રો વગેરેને સીધા આર્થિક અને અન્ય પ્રોત્સાહક લાભ અપાઈ શકે. પેકેજ ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું હોઈ શકે છે.'

રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું, 'અર્થતંત્રને બેઠું કરવા અમે ટૂંક સમયમાં જ મોટા આર્થિક પેકેજની જાહેરાત કરીશું. જેનો લાભ સમાજના દરેક વર્ગને મળશે અને ભારત સરકારના પેકેજના આધારે રાજયના અર્થતંત્રને વેગ મળશે. જો કે, આ ક્ષણે હું પેકેજની ચોક્કસ વિગત જાહેર ના કરી શકું. એટલું કહીશ કે આ પેકેજ લોકડાઉન પછી આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે પ્રોત્સાહક સાબિત થશે.'

(9:52 am IST)