Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

'આત્મનિર્ભર' અભિયાન ભવિષ્યના ભારતનો પાયો

મોદીજીના નેતૃત્વમાં બીજી ટર્મની સરકારનું પ્રથમ વર્ષ પૂર્ણઃ પ્રકાશ જાવડેકરઃ કલમ ૩૭૦ નાબુદ, લડાખ તથા જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશોનું નિર્માણઃ કોરોના સામે મજબૂત લડતઃ ખાસ હોસ્પિટલો કાર્યરતઃ સામગ્રી ઉત્પાદન નાગરિકતા સુધારા વિધેયક મંજુર, રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની ઐતિહાસિક પહેલઃ ખેડૂતલક્ષી ધરખમ સુધારા

નવી દિલ્હી :.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છેલ્લા ૬ વર્ષથી દેશને સફળ નેતૃત્વ પૂરૂ પાડી રહયા છે. તેમની બીજી ટર્મનું એક વર્ષ પૂર્ણ થયું છે. આ વર્ષ ઘટના સભર બની રહ્યુ હતું. મોદીજીની કામગીરીને ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓથી મૂલવી શકાય તેમ છે. પ્રથમ ક્રમે આવે છે- ઐતિહાસિક રાષ્ટ્રીય ઘટનાઓ. બીજા ક્રમે છે- કોરોના વાયરસ મહામારી અને ત્રીજા ક્રમે- 'આત્મનિર્ભર ભારત' મારફતે ભવિષ્યના ભારતનો પાયો નાંખવાની બાબત ઉપર ધ્યાન અપાયું છે.

કલમ ૩૭૦ નાબુદ નાગરિકતા સુધારાને બહાલ

કલમ ૩૭૦ નાબૂદ કરવી, લડાખ તથા જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશોનું નિર્માણ કરવું, નાગરિકતા સુધારા વિધેયકને મંજૂરી આપવી, ત્રિપલ તલાક નાબૂદ કરવી, રામ મંદિર માટેનો માર્ગ સુગમ બનાવવો, આ બધી બાબતોને રાષ્ટ્રીય અને ઐતિહાસિક, રાજકીય પહેલના સમૂહમાં ગણાવી શકાય. ત્યાર પછી કાશ્મીરની હાલત પણ સુધરી છે. હવે તો ઈન્ટરનેટની પણ પુનૅંસ્થાપના થઈ ગઈ છે. આપણાં લશ્કરી દળો પાકિસ્તાનના અધમ ઈરાદા તરફ નજર રાખી રહ્યાં છે. ૫૦ વર્ષ જૂની બોડો સમસ્યાનો ઘનિષ્ઠ ઉકેલ આવ્યો છે અને સમાજના તમામ વર્ગના લોકો ખૂબ જ ખુશ છે. સમાન પ્રકારે બ્રુ- રિયાંગ નિર્વાસિતોની સમસ્યા પણ ત્રિપુરા, ભારત સરકાર અને મિઝોરમ વચ્ચે ત્રિપક્ષી કરાર મારફતે સફળતાપૂર્વક હલ કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓ માટે સગર્ભા અવસ્થામાં ૬ માસની રજાની જોગવાઈ કરીને એક મહત્વનું સામાજીક કદમ ઉઠાવવામાં આવ્યું છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી બિલ- ૨૦૨૦, આસિસ્ટેડ રિપ્રોડકટીવ ટેકનોલોજી રેગ્યુલેશન બિલ- ૨૦૨૦ અને બાળકોના જાતિય શોષણ સામે સુરક્ષા આપવાનો કાયદો કરીને મહત્વની ભૂમિકા બજાવી છે.

કોરોના સામે મજબૂત લડાઇ

કોરોના વાયરસ મહામારી સામેની લડતમાં આપણે સૌથી લાંબા અને ખૂબ જ આકરા લોકડાઉનનો સામનો કર્યો છે અને તેનાથી દેશને ઓછામાં ઓછું નુકશાન થાય તેનો ખ્યાલ રખાયો છે. આપણી પાસે ઘણાં ક્ષેત્રોમાં ક્ષમતા ન હતી. આપણી પાસે એક પણ કોરોના હોસ્પિટલ નહોતી. અત્યારે ૩૦૦થી પણ વધુ છે. પીપીઈ સ્યુટ, માસ્ક અને સ્વેબ સ્ટીકસની પણ આયાત કરવામાં આવતી હતી. આપણે 'આત્મનિર્ભર' બન્યા છીએ અને હવે આપણી પાસે 'મેક ઈન ઈન્ડીયા'સ્ટોરી છે. હવે તો વેન્ટીલેટર્સનું પણ ભારતમાં ઉત્પાદન થવા માંડયુ છે. ૧૬૫ ડીસ્ટીલરીઝ અને ૯૬૨ ઉત્પાદન એકમોને હેન્ડ સેનેટાઈઝર્સ બનાવવા માટેના પરવાનો આપવામાં આવ્યા છે અને તેના પરિણામે દેશમાં ૮૭ લાખ લીટર હેન્ડ સેનેટાઈઝર્સનું ઉત્પાદન થવા માંડયુ છે.

આશીર્વાદરૂપ પેકેજ

સરકારે ૧૫,૦૦૦ કરોડનું હેલ્થ પેકેજ જાહેર કર્યું છે અને રૂ.૧૧,૦૦૦ કરોડનું સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ રાજયોને નાણાં ઉછીનાં લીધા વગર કોરોના વાયરસ મહામારીને પડકાર ઉપાડી લેવામાં સહાયક બની રહ્યુ છે. કોરોના વાયરસ સામેની લડતમાં ૩૦૦૦ ટ્રેન મારફતે અંદાજે આશરે ૪૫ લાખ શ્રમિકોને તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. વિદેશમાં અટવાયેલા હજારો ભારતીય નિવાસીઓને સફળતા પૂર્વક પરત લાવવામાં આવ્યા છે.

ગરીબોને વિનામૂલ્યે અનાજ

વડાપ્રધાન મોદી સૌ પ્રથમ જન સમુદાયની ચિંતા કરતા હોય છે. તેમના સૌ પ્રથમ પેકેજમાં આપણે ૮૦ કરોડ પરિવારોને ૨૫ કિલો ચોખા/ ઘઉં અને ૫ કિલો દાળ (ત્રણ માસ સુધી) વિનામૂલ્યે પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. ખૂબ મોટી સબસીડી ધરાવતા દરથી રૂ.૨ -૩ ના ભાવે દર મહિને ૫ કિલો ચોખા/ ઘઉં પૂરા પાડવાની અગાઉની જોગવાઈ ચાલુ રાખવામાં આવી છે. આશરે ૫ કરોડ જેટલા રેશન કાર્ડ નહી ધરાવતા લોકોને સરકારે વિના મૂલ્યે ૧૦ કિલો ચોખા/ ઘઉં તથા બે માસ માટે બે કીલો દાળ પૂરી પાડવામાં આવી છે. જનધન એકાઉન્ટ ધરાવતી ૨૦ કરોડ મહિલાઓને રૂ.૩૦,૦૦૦ કરોડ મળ્યા છે. દરેક મહિલાના જનધન ખાતામાં રૂ.૧૫૦૦ (૫૦૦ * ૩) જમા કરાવવામાં આવ્યા છે. ૮ કરોડ પરિવારોને રૂ.૨૦૦૦ના કિંમતના ૩ ગેસ સિલિન્ડર મળ્યા છે. આશરે ૯ કરોડ જેટલા ખેડૂતોને તેમના ખાતામાં રૂ.૨૦૦૦ જમા થયા છે. ૫૦ લાખ લારી-ફેરીવાળા દરેકને રૂ.૧૦,૦૦૦ આપવાની જોગવાઈ કરાઈ છે. બાંધકામ ક્ષેત્રના લાખો શ્રમિકોને કન્સ્ટ્રકશન વર્કર્સ ફંડમાંથી ભંડોળ આપવામાં આવ્યુ છે. જો કોઈ વ્યકિત આપણાં સમાજની તળિયે રહેલા ૧૦ ટકા લોકોની ગણતરી કરે તો તેમને પરિવાર દીઠ રૂ.૧૦,૦૦૦થી વધુ રકમ મળી છે.

આત્મનિર્ભર ભારતનો પાયો

વિકાસનો ત્રીજો તબક્કો મહત્વના સુધારાનો છે, જે 'આત્મનિર્ભર' પેકેજ મારફતે કરવામાં આવ્યો છે. અર્થતંત્ર, માળખાગત સુવિધાઓ, સિસ્ટમ, વસતિ અને માંગ એ 'આત્મનિર્ભર' ભારતના પાંચ પાયા છે. જીડીપીની ૧૦ ટકા સુધીનું એટલે કે રૂ.૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ સમાજના દરેક વર્ગની કાળજી લઈ રહ્યું છે. માલિકો અને કર્મચારીઓ બંને માટે ઈપીઆઈનું યોગદાન ઘટાડવામાં આવ્યું છે. તેનાથી રૂ.૨૭૬૦ કરોડ ફાજલ થશે. નાના અને મધ્યમ ધિરાણોમાં ૨ ટકા વ્યાજનું સબવેન્શન કરવામાં આવ્યું છે. ૬૩ લાખ સ્વ-સહાય જૂથોને કોલેટરલ ગેરંટી વગર રૂ.૨૦ લાખ સુધીનું ધિરાણ મળશે. આ રકમ અગાઉ રૂ.૧૦ લાખ જેટલી મર્યાદિત હતી.

વધુ કંપનીઓને લાભ થાય તે માટે નાના અને મધ્યમ ઉદ્યોગોની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો તથા નોન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ મળીને તેમને રૂ.૪,૪૫,૦૦૦ કરોડ પૂરા પાડવામાં આવ્યા છે. રૂ.૧ લાખ કરોડની રકમ કૃષિ માળખાગત સુવિધા કાર્યક્રમો માટે ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત માછીમારી વિકાસ માટે આશરે રૂ.૨૦,૦૦૦ કરોડ તથા પશુઓને ખરવાસા અને મોવાસાના રોગોના રસીકરણ તથા સારવાર માટે આશરે રૂ.૧૫,૦૦૦ કરોડ ફાળવાયા છે. રૂ.૭૦,૦૦૦ કરોડની ક્રેડિટ લીંક સબસીડી પૂરી પાડવામાં આવી છે તે પણ મહત્વની બાબત છે.

સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પહેલ

આ પેકેજમાં કેટલાક મહત્વનાં સુધારા હાથ ધરવામાં આવ્યા છે, જેમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા એ એક ઐતિહાસિક પહેલ છે. આપણે શસ્ત્રોની ૧૦૦ ટકા આયાત કરતાં હતા, પરંતુ સંરક્ષણ ક્ષેત્રે સીધા વિદેશી મૂડી રોકાણને માન્યતા આપતા ન હતા. મોદીજી દેશને આ સ્થિતિ માંથી દેશને બહાર લાવ્યા છે અને સંરક્ષણ ઉત્પાદનમાં ૭૪ ટકા સીધા વિદેશી રોકાણની છૂટ આપવાની સાથે સાથે ભારતમાં ઉત્પાદન થતું હોય તેવા સંરક્ષણ માટેના સાધનો તથા શ સ્ત્રોની આયાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મનરેગા માટે રૂ.૧ લાખ કરોડની જોગવાઈ એ ખૂબ જ મહત્વની પહેલ છે, કારણ કે તેનાથી જરૂરિયાતમંદ લોકોને આજીવિકા મળશે, કારણ કે  પ્રવાસી શ્રમિકો હવે પાછા ફર્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં નોકરીઓ માટેની માંગ વધી જશે. યુપીએ સરકારે મનરેગા યોજનાના ખર્ચ માટે કોઈપણ વખતે રૂ.૩૭,૦૦૦ કરોડથી વધુ રકમ ફાળવી નથી. આપણો છેલ્લા ૫ વર્ષનો રેકર્ડ સરેરાશ રૂ.૫૫,૦૦૦ કરોડનો છે. હવે આપણે તેને અંદાજે બમણો કરીને રૂ.૧ લાખ કરોડ કર્યો છે. મોદી સરકાર ગરીબોની ચિંતા કરે છે. ઉદ્યોગો અને કરદાતાઓની સ્થિત સુધરે તે માટે ઘણાં રાહતકારી કદમ ઉઠાવવામાં આવ્યા છે.

ખેતીલક્ષી ધરખમ સુધારો

છેલ્લે, આ પેકેજની હેડલાઈન કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક સુધારા છે. ખેડૂતોને ખેત બજાર વેચાણ સમિતિઓથી મુકત કરવામાં આવ્યા છે. તે પોતાની પેદાશો દેશમાં કોઈપણ સ્થળે વેચી શકે છે. પોતાની ખેત પેદાશ માટે તથા તેનું જાતે માર્કેટીંગ કરવા માટે તે કોઈની પણ સાથે ગમે તેટલા ગાળા માટે સંકળાઈ શકે છે. તેમણે આવશ્યક ચીજવસ્તુ ધારા જેવી ઘણી ખેડૂત વિરોધિ જોગવાઈઓમાંથી મુકત કરવામાં આવ્યા છે. હવે બજાર વધુ ભાવ ઓફર કરી રહ્યું છે ત્યારે આપણાં ખેડૂતોને કોઈ બંધન નથી.

'આત્મનિર્ભર' પેકેજ ભારતનું ભાવિ નક્કી કરશે. આ એક દીર્ઘદ્રષ્ટિ ધરાવતું ઐતિહાસિક અને વિવેકપૂર્ણ પેકેજ છે.

- શ્રી પ્રકાશ જાવડેકર

પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન તથા

માહિતી અને પ્રસારણ, તેમજ ભારે ઉદ્યોગ અને

જાહેર સાહસના મંત્રીઃ ભારત સરકાર

(10:22 am IST)