Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

વેન્ટિલેશન સારું ન હોય તો કોરોના ફેલાવાનું જોખમ વધુ

ઘરો-ઓફિસોમાં વેન્ટિલેશનના અભાવે જોખમ વધે છે : કફ કે છીંકમાંથી નીકળતા કણોમાંથી પાણી સુકાયા બાદ તેમાનો વાયરસ હવામાં પ્રસરે છે : અભ્યાસનું તારણ

નવી દિલ્હી, તા. ૨૯ : ઘરો અને ઓફિસોની અંદર વેન્ટિલેશન સારું ન હોય તો તેનાથી કોરોનાનું જોખમ વધે છે તેમ એક અભ્યાસમાં જણાવાયું છે. સંશોધકોનું કહેવું છે કે કફ અથવા છીંકને કારણે શ્વાસ અને મોઢામાંથી નીકળતાં છાંટામાં પાણી, મીઠું અને અન્ય ઓર્ગેનિક મેટિરિયલ હોય છે. આ ઉપરાંત વાયરસ તો હોય જ છે. પરંતુ એ પછી જેમ તેમાં રહેલાં પાણીના છાટાં સુકાય છે તેમ અન્ય તત્વો વધુ સૂક્ષ્મ બની જાય છે અને તેનું વજન હલકું થઇ જાય છે જેના કારણે તે હવામાં પહોંચે છે અને લાંબા વખત સુધી ફરતું રહે છે. એના કારણે વાયરસનું કન્સ્ટ્રેશન વધી જાય છે અને તેના કારણે ચેપનું જોખમ વધી જાય છે. ઘરો અને ઓફિસોમાં પૂરતા વેન્ટિલેશનના અભાવે હવામાં રહેલા કોરોનાના ફેલાવાનું જોખમ વધી જાય છે તેમ જણાવતાં અભ્યાસમાં ઉમેરાયું છે કે આવા ચેપને અટકાવવાનું એ કોરોના મહામારી સામેની લડાઇનો પણ એક મોરચો છે.  અભ્યાસ મુજબ, અન્ય ઘણાં વાયરસની જેમ કોરોના વાયરસ પણ કદમાં ૧૦૦ માઇક્રોન્સથી ઓછું છે.

             બ્રિટનની સરે યુનિવર્સિટી સહિતના સંશોધકોએ નોંધ્યું છે કે છીંકના કણોમાં રહેલું પાણી સુકાતાં જ તે વાષ્પ બનીને હવામાં રહે છે અને જો વેન્ટિલેશન સારું ન હોય તો તે ત્યાં વધુ સમય સુધી રહે છે અને તેના કારણે કોરોનાના ચેપનું જોખમ વધી જાય છે. આમ હવા સ્થિર રહે તો તેને કારણે તેની અવધિ વધી જાય છે. ઉલ્લેખનીય છે કે એટલા માટે જ મોલ અને જિમ કે જયાં વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા હોતી નથી ત્યાં આ જોખમ વધુ હોય છે. સંશોધકોએ કહ્યું છે કે 'ઘણાં કોમર્શિયલ અને સરકારી ઇમારતોમાં મેકેનિકલ વેન્ટિલેશન સામાન્ય બાબત છે.

         પરંતુ તે બિનઅસરકારક હોઇ શકે છે અને તેના કારણે એવી સ્થિતિ ઊભી થઇ શકે છે કે બાંધેલા સ્પેસની અંદર દૂષિત હવાનો રોકાવનો સમય વધી જાય છે.' અભ્યાસમાં જણાવાયું છે કે વિજ્ઞાનીઓએ કોરોનાના ઇન્ડોર ટ્રાંસમિશનને અટકાવવા માટે તેના સંભવિત રૂટ તરીકે વેન્ટિલેશનનું બાંધકામ સુધારવાની જરૂરિયાત પર ભાર મુકયો હતો. તેમણે ઉમેર્યું હતું કે આને કારણે જે વ્યક્તિઓને ચેપનું વધુ જોખમ હોય તેને ઓળખવાની અને સ્થળો અને પ્રવૃત્તિઓ માટે લક્ષ્યાંકિત પગલાના યોગ્ય અમલીકરણની તત્કાળ જરૂર છે. આ ઉપરાંત માસ્કના સ્થિતિ આધારિત ઉપયોગ માટે ટૂંકાગાળાની સ્પષ્ટ માર્ગરેખાઓ પણ હોવી જોઇએ. સરે યુનિવર્સિટીમાંથી અભ્યાસમાં મુખ્ય લેખક પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે 'ઇન્ડોર વેન્ટિલેશન સુધારવું એ એક મહત્વનું પગલું છે કે જે ચેપના જોખમને ઘટાડી શકે છે. જોકે વધુ ગીચતા ધરાવતી વસ્તીમાં હવામાં વાયરસનું પ્રમાણ ઘટે અને તેનો ફેલાવો અટકે તે માટે વધુ અભ્યાસ થવો જરૂરી છે.

(12:00 am IST)