Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

સ્મૃતિ ઇરાનીનું કદ વધે તેવા એંધાણ : જયશંકરે ચોંકાવ્યા

ડોકલામ વિવાદને જયશંકરે ઉકેલ્યો હતોઃ પીયુષ ગોયેલ ઉજ્જવલા અને અન્ય યોજનાથી લોકપ્રિય થયા હતા : મુસ્લિમ ચહેરા તરીકે નકવીની ફરીથી એન્ટ્રી

નવી દિલ્હી, તા. ૩૦: મોદી સરકાર આજે મોડી સાંજે સત્તારુઢ થઇ હતી. વડાપ્રધાન તરીકે મોદીની સાથે અનેક પ્રધાનોએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. આ વખતે અગાઉની સરકારમાં પ્રધાન રહેલા અનેક બહાર થઇ ગયા છે. કેટલાક આરોગ્યના કારણોસર બહાર થયા છે જેમાં અરુણ જેટલી, સુષ્મા સ્વરાજનો સમાવેશ થાય છે. આ વખતે મેનકા ગાંધી, રાજ્યવર્ધનસિંહ રાઠોડને પણ સામેલ કરવામાં આવ્યા નથી. આજે જે પ્રધાનોએ શપથ લીધા હતા તેમાં સ્મૃતિ ઇરાનીનો સમાવેશ થાય છે. અમેઠી બેઠક પર રાહુલ ગાંધીને પરાજિત કર્યા બાદ સ્મૃતિ ઇરાનીનું કદ નવી સરકારમાં વધુ મોટુ રહે તેવી શક્યતા છે. બીજી બાજુ પીયુષ ગોયેલ ફરી એકવાર કેબિનેટ મંત્રી બન્યા છે. ઉજાલા અને ઉદય યોજનાના કારણે તેમની લોકપ્રિયતા વધી હતી. ગોયલ વિજળી, કોલસા, નાણા સહિતના ખાતા સંભાળી ચુક્યા છે. રેલવે મંત્રી પણ રહ્યા હતા. ૧૯૮૪માં તેઓ ભાજપમાં જોડાયા હતા જ્યારે પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરે સીધીરીતે કેબિનેટમંત્રી બનીને તમામને ચોંકાવી દીધા છે. ચીન સાથે ડોકલામ વિવાદને ઉકેલવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. ૨૦૧૫થી ૨૦૧૮ સુધી વિદેશ સચિવ રહ્યા હતા. આવી જ રીતે મુસ્લિમ ચહેરા તરીકે ફરી એકવાર મુક્તાર અબ્બાસ નકવીની એન્ટ્રી થઇ થઇ છે. અમિત શાહની કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે એન્ટ્રી થઇ છે. તેમની એન્ટ્રી સાથે જ ભાજપ પ્રમુખ તરીકે અન્યને જવાબદારી સોંપવાની શક્યતા પણ દેખાઈ રહી છે. આ વખતે કેન્દ્રીય કેબિનેટમાં કેટલાક મોટા ફેરફાર પણ થયા છે. રાહુલને પરાજિત કરનાર સ્મૃતિ ઉપરાંત, પેટ્રોલિયમ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનની એન્ટ્રી થઇ છે. મહેન્દ્રનાથ પાંડે, ગિરીરાજ સિંહને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

(10:31 pm IST)