Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

કર્ણાટકના દરિયાકાંઠાના શહેરો જળબંબાકાર : દિલ્‍હીમાં વરસાદની આગાહી

આંધી - વાવઝોડાથી ૧ મહિનામાં ૨૯૦ મોત

નવી દિલ્‍હી તા. ૩૦ : દેશભરમાં ભીષણ ગરમી વચ્‍ચે ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્‍યો છે. જેમાં કેરળ અને તામિલનાડુમાં નૈઋત્‍યના ચોમાસાનો પ્રારંભ થયો હતો. જેમાં ભારે વરસાદથી કર્ણાટકના દરિયાકાંઠાનાં શહેરો જળબંબાકાર થઈ ગયાં હતાં. જયારે આજે દિલ્‍હીમાં વરસાદ થવાની સંભાવના છે.

બીજી તરફ મધ્‍ય ભારત અને ઉત્તર ભારતના કેટલાંક રાજયોમાં કાળઝાળ ગરમી પડી હતી. બીજી તરફ ઉત્તર પ્રદેશ, બિહાર મધ્‍ય પ્રદેશ, ઝારખંડ અને બંગાળ જેવા રાજયોમાં વાવાઝોડા અને વીજળીના કારણે ૫૪ લોકોનાં મોત થયાં છે. આ મહિનામાં આવા વાવાઝોડા અને કુદરતી આપત્તિને કારણે કુલ મૃતાંક ૨૯૦ પર પહોંચ્‍યો છે. તદ્‍ઉપરાંત વાવાઝોડા મેકુનુએ કર્ણાટકના દરિયા કિનારાના શહેરોને ધમરોળ્‍યાં હતાં.

તોફાની વરસાદને પગલે મેંગ્‍લુરુ અને ઉડિપી શહેરમાં ચારેતરફ જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ હતી. તંત્ર દ્વારા બુધવાર માટે તમામ શૈક્ષણિક સંસ્‍થાઓ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્‍યા હતા.

મીટિરિયોલોજીકલ ડિપાર્ટમેન્‍ટના જણાવ્‍યા પ્રમાણે,પહેલી જૂનના ૩ દિવસ પહેલાં જ કેરળમાં ચોમાસું આવી ગયું છે. તેની અસરથી કેરળ સહિત દક્ષિણના ઘણાં રાજયોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. આ ચોમાસું હવે તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ૪૮ કલાકમાં કેરળના બાકીના વિસ્‍તારો, કર્ણાટક, ઉત્તર-પૂર્વ રાજયોના કેટલાક ભાગો અને બંગાળની ખાડી તરફ આગળ વધવા માટે સ્‍થિતિ સારી છે.

હવામાન ખાતાએ દક્ષિણ ભારતમાં ચોમાસું આગળ વધવાની જયારે મધ્‍ય ભારતમાં ભીષણ ગરમી યથાવત્‌ રહેવાની ચેતવણી ઉચ્‍ચારી હતી.

 

(3:43 pm IST)