Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મદ્રાસ હાઇકોર્ટ : પહેલા અને બીજા ધોરણના બાળકોના દફતરનો ભાર ઘટાડવા આદેશ

ગુજરાતમાં આવું કેમ કોઇને સૂઝતું નથી?

ચેન્‍નાઇ તા. ૩૦ : મદ્રાસ હાઈકોર્ટે નાના બાળકો પર તેમના દફતર અને હોમવર્કનો બોજો હટાવવાના નિર્દેશ આપ્‍યો છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે બાળકો વેટલિફટર નથી અને બાળકો પુસ્‍તકો ભરેલી સ્‍કૂલબેગ વેંઢારનાર પણ નથી.

મદ્રાસ હાઈકોર્ટે કેન્‍દ્ર સરકારને તમામ રાજયોના પહેલા અને બીજા ધોરણના બાળકોના દફતરનો ભાર ઘટાડવા અને હોમવર્ક નહીં આપવાનો નિર્દેશ આપવા માટે જણાવ્‍યું છે.

હાઈકોર્ટે કેન્‍દ્ર સરકાર, રાજય સરકારો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને ચાર સપ્તાહમાં આના અમલીકરણનો રિપોર્ટ આપવા માટે પણ નિર્દેશ કર્યો છે. પોતાના વચગાળાના આદેશમાં મદ્રાસ હાઈકોર્ટે રાજય સરકારનો જણાવ્‍યુ છે કે તેઓ સુનિશ્ચિત કરે કે બાળકોના દફતરનું વજન બાળકોના વજનના દશ ટકાથી વધુ હોવું જોઈએ નહીં.

જસ્‍ટિસ એન. કિરુબકરણે તેલંગાણા અને મહારાષ્ટ્ર સરકારના આદેશને ટાંકીને કેન્‍દ્ર સરકારને હુમક ફરમાવ્‍યો છે કે તેઓ તમામ રાજય સરકારો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને ચિલ્‍ડ્રન સ્‍કૂલ બેગ પોલિસી લાગુ કરવાના નિર્દેશ આપે.

મદ્રાસ હાઈકોર્ટે સીબીએસઈ, બોર્ડના પ્રાદેશિક અધિકારી અને એસોસિએશન ઓફ મેનેજમેન્‍ટ ઓફ પ્રાઈવેટ સ્‍કૂલને નિર્દેશ આપ્‍યા છે કે તેઓ એનસીઈઆરટી પુસ્‍તકોનો જ અભ્‍યાસ કરવા કહે અને તેનો જ ઉપયોગ કરે. જસ્‍ટિસ કિરૂબકરણે અરજદાર અને વકીલ એમ. પુરુષોત્તમનની અરજી પર ચુકાદો ફરમાવ્‍યો છે.

મદ્રાસ હાઈકોર્ટે રાજયના બોર્ડોની સ્‍કૂલોને ચુકાદો લાગુ કરવા જણાવ્‍યું છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે પહેલા અને બીજા ધોરણના બાળકોને ભાષા અને ગણિત સિવાય અન્‍ય કોઈપણ વિષયને ભણાવવામાં આવે નહીં. જયારે ત્રીજાથી પાંચમા ધોરણ સુધીના બાળકોને ભાષા, ઈવીએસ અને ગણિતનો અભ્‍યાસ કરાવવામાં આવે.

(2:48 pm IST)